કોરોના ડૉટ કૉમ -2
મીટીંગમાં બેસેલી નૈનાનો ફોન વારંવાર વાગી રહ્યો હતો. સોલંકી સાહેબની નજર વારંવાર નૈના તરફ જતી હતી... ફોન ફરી વાગ્યો...આખરે પરેશાન થઇ સોલંકી સાહેબે કહ્યું, 'નૈના આ મીટીંગ કરતાં કોલ વધુ જરૂરી હોય તો બહાર જઈ વાત કરી લે '.
'સોરી સર... ' કહેતાં નૈનાએ ફોન સ્વિચ ઓફ કર્યો. અને મીટીંગના મહત્વના મુદ્દાઓ પર ચર્ચા ચાલી.
મીટીંગ પત્યા પછી નૈના બહાર આવી અને પોતાની કેબીનમાં બેસી કામ શરુ કર્યું. કામમાં ને કામમાં એને ફોન ઓન કરવાનું ધ્યાન ન રહ્યું... કેબીનનો ફોન રણક્યો...સહકર્મીનો ફોન હતો... વાત કરી ફોન મુક્યો ત્યારે સહસા ભાન થયું કે પોતાનો મોબાઈલ તો સ્વીટ્ચ ઓફ છે. નૈનાએ ફોન ઓન કર્યો.જોયુ તો અવિનાશના અનેક કોલ... તરત નૈનાએ અવિનાશને કોલ કર્યો પણ એનો નંબર વ્યસ્ત આવતો હતો.ફોન સાઇલન્ટ કરી ફોન હાથમાં લઇ એ પોતાના કેબિનની બહાર આવી. સામે આવતા પ્યુનને પૂછ્યું...
' મેક-અપ મેન ક્યાં છે ?'
'મેક-અપ રૂમમાં છે મેડમ '
' ઠીક, હું મેક-અપ રૂમમાં જાવ છું. જલ્દીથી એક કોફી લઇ આવ... સમાચાર પ્રસારણનો ટાઈમ થઇ ગયો છે... '
' જી મેડમ '
નૈના મેક-અપ રૂમમાં આવી.મેક-અપ મેનના ઘરના હાલચાલ પૂછ્યા. મેક-અપ મેને મેક-અપ કરતા કરતા નૈનાને પોતાના ઘરના હાલચાલ જણાવ્યા. એટલી વારમાં નૈનાની કોફી પણ આવી ગઈ હતી....