...

3 views

દેવલી

ના હો દેવલી તું નાહકની ચિંત્યા કરે છે.તારો જન્મારો આખોય લીલોતરી સમો છે.આ તો જીવતર કેવાય..... અને હાલનું જીવતર એટલે દીઠાનુ ઝેર......રાજાના ઠાઠ સમો ઠાઠ સૌને જોઈએ છે પણ, ગરીબોના ઘરનું તો દૂરથીએ અજવાળું નથી જોઈતું...!..ભલે તેનું ખોરડું લીંપ્યુ ગૂંપ્યુ હોય ને જાહોજલાલી અને તેને સાત પેઢીનોએ રિશ્તો ના હોય.પણ,નાતમાં સઘળેય તેનું ખોરડું ગુણોથી ગવાયેલ મહેલ છે.ખોરડાનો હર જણ એટલે લોકોના વિચારોમાં જાણે રામનો અવતાર..! હવે તુંજ કેહ કે આમાં તને ક્યાંય પણ ઝેરનો ઘુંટડોય દીઠે છે.
પરષોત્તમ પોતાની વહાલી વચલી દીકરી દેવલીને તેના માટે માંગું આવેલ તે કાનજીની ગરીબીના વખાણ કરીને હા ,ભણાવવા મથતો હતો.
દેવલી...... સાત સમંદર પારથી ચોરીને ઉપાડીને લાવેલ ગોરા બદન જેવી.ઊંચો પાતળિયારો દેહ,લચકતી લાંબી અને પાતળી કમર, અણિયાળી આંખો જાણે ક્લિયોપેટ્રાનો પુનર્જન્મ, હરણી રેકા પગમાં ખનન...ખનન.... થતી ઝાંઝરનો રણકાર,નાગણીને પણ વામન કરતો કાળો ભમ્મર કેડ હેઠો ચોટલો ,અપ્સરાના ઉભરાયેલા વક્ષ:સ્થળ સમા પેય:સ્થળ ,ભરાવદાર ગોળ મટોળ,માંસથી ભરચક, ખંજનથી કામણ કરતા ગોરા ગોરા ગાલ, મીનપિયાસી સમા અધર ને નૂતનનું અણિયાળું નાક એટલે કે વર્ષોની પરોજણથી ભગવાને ઘડીને તૈયાર કરેલી જીવંત મૂરત એટલે દેવલી..... હો....
બે બહેનો અને એક ભાઇમાં વચોટ તેના લગ્નની વાત થઇ રહી હતી.મોટી રાધા સાસરિયે સુખેથી બેક વર્ષ પહેલાં જ ઠરીઠામ થઈ ગઈ હતી.નાનો ભાઈ દેવો..દેવાયત..હજુ ઓન દસમામાં આવ્યો હતો.સત્તર વટી ગયેલી દેવલી પર ગામના હંધાય જુવાનોનો ડોળો ફરતો હતો.પણ, દેવલી એટલે પવિત્રતા અને સંસ્કારોની મૂર્તિ,બાપની લાજને માથે ઓઢીને ફરતી સીતા જોઈલો.સૌને પ્રેમાળ નજરોથી ઘાયલ કરતી હરણી... તેને પોતાનો એકજ સાથી ભવ ભવનો રહેશે...અને તે પણ ,થનારો ભરથાર તેવી નેમ લઈ લીધી હતી....અને આજ નેમ હતી તેના સંસ્કાર, ચરિત્ર અને આબરૂનું દર્પણ....
પણ આ દેવલી પર વાત આવી હતી.ગામનાજ કાનજીની.કાનજી એટલે ગરીબડી ગાય.ના કોઈ હારે કઈ લપ્પન છપ્પન કે ના કોઈ હારે કંઈ માથાકૂટ..શરીરનો ખડતલ તો એવો કે જાણે મનખના પેટે ચિત્તો અવતર્યો હોય.કાયા પડછંદ,દેહ કસીલો ને છાતી તો જાણે ખેંચાયેલા ધનુષની પણછ,.મોટિયાળી આંખો ને ભ્રમર તો કોઈ સાધુડાના ભૃકુટી સમા,અદ્લ કોઈ સાધુડાના વેશમાં પહેલવાન જોઈ લો.પણ,મનથી ભીરુ હો ! બહાદુરીના બે મમરા પણ તેના તોલે ના આવે તેટલો તે શાંત,શર્મીલો ને છતાં મળતાવડો.ગામની કેટલીએ છોકરીઓના કોડમાં તે રમતો પણ, આ મરદ ભાઈ કોઈને પાણી પાવે તેમ લાગતું નહીં.પોતે અને પોતાનું કામ ભલું...પણ,.... ખેતરેથી ગાડું લઈને આવતા થોડા દાડા પહેલા બહાર રહીને આવેલી દેવલી નજરે પડતાં આ બ્રહ્મચારી સમા નરના મનમાં માદા માટે અનહદ પ્રેમ ઉભરાણો હતો.તે દિ થી દેવલીને રોજ નીરખવા તેના આંટા ઉપલી ફળીમાં વધી ગયા.કહેવાય છે ને કે શાંત જળ ઉંડા હોય અને તેમાં કાંકરીચાળો ના ખપે....!..તેમ આ કાનજીના શાંત જળમાં દેવલીનું યૌવનગંધા સમુ રૂપ કાંકરીચાળો કરી ગયું હતું.અને શાંત જળમાં પ્રેમની નાવડી હાલક-ડોલક થવા લાગી હતી.મધદરીએ વહાણ સળગે તો ઝાડ પણ કાષ્ઠ થઈ જાય છે તેમ કાનજીના દિલમાં દબાયેલો પ્રેમનો રોગ વધતો જતો હતો.દેવલી તેના રાતનું શમણું ને સવારનું કિરણ થઈ પડી હતી.અને સઘળાએ વાવડ તેની પિતરાઈ રૂપલી કનેથી ઘડીભરમાં દેવલીના લઈ લીધા હતા....અને ખુશ પણ થયો હતો કે દેવલી પણ તેના સમ-વિચારણીવાળી બ્રહ્મચારી સમી હતી.પછી તો તેના રૂપની સાથે સાથે તેની પવિત્રતા ,સંસ્કારો અને ચરિત્રનો પણ તે ઘેલો થયો હતો......
........અને પોતાની સંધિય વાત બાપ જીવણને કરતા છેલ્લા વેણમાં પોતાનું ભાવિ પણ ભાખી દીધું કે...."બાપુ પરણીશ તો દેવલી હારેજ બાકી માને બહેન"....!
જીવણ દોસો પણ ખુશ થયો હતો.કેમકે દેવલીને તે સારી પેઠે પિછાણતો હતો.અને વળી કેટલાય માંગા ઠુકરાવીને..લગ્નની વાત માતરથી ચિડાઈ જતા કાનજી કનેથી પ્રેમની સુરાવલીઓ તેને પહેલીવાર સાંભળી હતી અને દીકરાનું મન ફેરવાય તે પહેલા 'ઝટ મંગની પટ્ટ શાદી'ના અભરખા જોતાં તેને કાનજીનું કહેણ ગોરભા હારે પરસોતમના ખોરડે મોકલી દીધું હતું.
દેવલી કાનજીને જાણતી હતી પણ, બહાર રહેતી હોવાથી તેના સદગુણોનો તેને પરિચય નહોતો.બસ પેલા દિ તેને કાનજીને મેંલોઘેલો જોયેલો અને પોતાને તાકી તાકીને જોઇ રહેલો રાક્ષસ લાગતા આજ બાપુએ તેને વાત કરી ત્યારે તેને કંઇ હુંકાર કે નકાર ન ભણ્યો એટલે ડોસો દીકરીને કાનજીના ગુણ-ગાન ગાઈને દેવ બનાવતો હતો.અને પરસોતમના બોલ મિથ્યા ના ગયા.દેવલીએ બાપને દેવ લગતા કાનજીના નામની પીઠી ચોરવાનું ઈજન બાપને આપી દીધું.બાપના હૈયે ટાઢક વળી.દીકરીનો ભવ સાત ભવ લગીના સુખનો સાગર ભોગવશે તે તય હતું.
ઘડિયા લગ્ન લેવાયા....,મહેંદી ,સગાઈ ,લગ્નની વિધિઓ શરૂ થઈ.લગનીયાઓ સામ-સામે ગોળ ધાણા ને પીઠીના પડીકા પણ આપી આવ્યા.મંડપ નંખાણા ,વૈશાખી વાયરામાં ફટાણા માંડવે ગુંજવા લાગ્યા. કંકોતરીઓ કંકુ છાંટીને પરગણામાં પહોંચાડવામાં આવી.ગોર મહારાજનાં વધામણાં થયાં.મહેમાનો માંડવે સોહાવા લાગ્યા, જમણવારના રસોડા અગાઉથી ચાલુ થઈ ગયા.મોહનથાળના ઢેફા પતરાળામાં સોડમ પાથરવા લાગ્યા.વાજિંત્રોવાળાના ને શરણાઈના સૂર રેલાવા લાગ્યા.ખરીદીઓ બધી પૂરી થઈ ને શણગારના સાજ સજાવા લાગ્યા.વર વધૂના વસ્ત્રો ને સૌંદર્ય શણગારની તૈયારીઓ આટોપાવા લાગી.ઢોલના ઢબકારે ને ત્રાસુની ડાન્ડલીએ ગરબા રાસ રમાવા લાગ્યા.સ્વજનોને પહેરામણીમાં શું આપવું તેની ગણતરીઓ પૂરી થઈ.બંને કુટુંબોમાં ખુશીઓના પાથરણા પથરાણા.દુઃખડાને ઓવારણા લઈ ભગાવવા લાગ્યા.આમ, બધુંએ સરખું ,સરસ ને રૂડો અવસર દિપવે તે તમામ તૈયારી પૂર્ણ થઈ ગઈ.સૌના હૈયેને ગામના ટોડલે હરખના તોરણ ઝૂલવા લાગ્યા.પણ,..........
......પણ, એક હ્રદય તેવુંએ હતું જેને બધાથી સંતાપ થતો હતો.મ્લાન હૃદયમાં કંઈક અજુગતા એંધાણ રમતા હતા.પવિત્ર હૃદયમાં સાપોલિયા વાસના બની ભડકે બળતા હતા.કોઈક હાથમાં આવ્યા પહેલા છૂટી જવાનું દુઃખતું હતું.મળ્યા પહેલા ક્યારેય નહીં મળે તેનું દર્દ દુખતું હતું.સઢ વિનાની નાવ મધદરિયે પહોંચીને જેમ અટવાય તેમ તેનું મન અટવાતું હતું.છેલ્લો દાવ રમી લેવાનો અભરખો પળભરમાં જાગી ગયો.ક્યારેય પૂરી ના થઇ શકેલી મહેચ્છા ફૂંફાડા મારવા લાગીતી અને તેણે નિર્ણય કરી લીધો કે દેવલી પહેલી શિકાર તો તું મારી જ બનીશ......અને રાત્રે અંધારું માથે ઓઢીને સપનાની સેજ પાથરીને માંગલિક દ્રશ્યોને શમણાંમાં જોતી દેવલીના ઓરડામાં તે ગયો.અને રાતનો સહારો લઇને તેને............


* * * * * * * * *


       લગ્નની પ્રથમરાત્રીના શમણાં જોતો કાનજી રડી રડીને સાવ નીતરાઈ ગયો હતો .મોયરાનાં મીંઢળ લાલ રંગથી શોણિતને ધ્રુજવી રહ્યા હતા.ચારેકોરનો ઉમંગ ને ઉત્સાહ માતમમાં પથરાઇ ગયો હતો. માંડવાની ઝૂલ ફર–ફરતી ભેંકાર ભાસતી હતી. પરોઢનો સૂરજ ત્રાહિમામ થઈને ઉગ્યો હોય તેમ આગ ઝરતા કિરણો નાખી રહ્યો હતો. પુરષોતમની પાઘડી લોહીથી ખરડાઈને દીકરીના શોણિતને કાળું ડીબાંગ દેખાડતી હતી.તેની માં કરતા પણ વધુ હેતથી  ઉછેરીને મોટી કરેલી અને પરણાવવાના કોડ જોયેલા; અરે હજુ ગઈકાલે સાંજનાજ દીકરીને પીરસતી જોઈને પુરષોતમની આંખો ભીની થઇ ગઈ હતી અને એક જવાબદારી સમુસુતરી પાર પડે અને પોતાના અભરખા દેવલીને સારા ઘરની પણીહારણ બનાવવાના પુરા થશે.આવતી કાલે તે વિચારો માત્રથી તે કેટલો હરખના આંસુડા થી પલળ્યો હતો.દીકરીને સાપનો ભારો કે પારકાની થાપણ માન્ય વિના પોતાનું કાળજું સોનાનું છે તેને સાચવવું અને સારા સંસ્કારોની મૂડી આપવી પોતાની ફરજ માનીને દેવલીના સઘળા કોડ પુરા કર્યા હતા.મોટી કરતા પણ દેવલી પોતાને બહુ વહાલી હતી અને આજે તે કોડથી મઢેલી ખાંપણ નીચે હસતા ચહેરે સુતી હતી.હદયનો ટુકડો આજ ફાટી ગયો હતો.સાચેજ કાળજાનો કટકો ગાઠથીજ નહિ આયખામાંથી છુટી ગયો હતો.
               કાનજી બાવરો બનીને ખૂણાને તું ટૂંટિયું વાળીને ભીંજવતો હતો.ચારેકોર હાહાકાર મચી ગયો હતો. મરણ કઈ બંને પરિવાર માટે કે ગામ માટે પહેલું વહેલું નહોતું.પણ,આટલું ભયાનક,હૃદય ધ્રુજવી દે ને કાળજું ફાડી નાંખે તેવું આખા પંથકમાં પહેલું હતું. લીલા તોરણ ભેંકાર રડતા હતા.દુર સીમમાં ધોરા દહાડે શિયાળયુંઓ રાડ પડાવે તેવી રોતી હતી.અમંગળ એંધાણ થઈ ગયું હતું છતાં તેનો ભેન્કાર આખા ગામ માટે વરસતો હતો.ઘુવડ ક્યાંક રડી રહ્યું હતું ને ચીબડી ગામની પીઠ પાછળ ભેંકાર નાંખતી ચીખતી હતી. પીઠ પછાલ્હાજુ આ ગામને જાણે કેટલાય ઘવ થવાના હોય તેના અમંગળ એંધાણ વર્તાતા હતા. આખું ગામ મૂંગું મૂંગું રડતું હતું ને આવનારી ગોઝારી ભયાનક રાત્યુંને જાણે પીછાની ગયું હોય તેમ કોઈને કઈ પણ કોઈ કેહવા તૈયાર નહોતું.વીતી ગયેલી ભીષણ રાત્રીનાં ઓછાયા હજુયે સવાર પર મંડરાતા હતા.આકાશમાં વાદળો ઘોર અંધાર પાથરીને સફેદ રૂની પૂણી જેવા પોતાના દેખાવને ભીષણ દર્શાવી રહ્યાતા.મંદિરોની ઝાલરમાં ગામના કેટલાય માંનેખોનાં આયખાનો આખરી ઘંટારવ પડઘાતો હતો.આરતીની જ્વાળાઓ ભયાનક બનીને ઉંચે ઉંચે આકાશને આંબવા મથી રહી હતી.
             આ બધાથી પર એક હ્રદય બીકના ધબકારા ધબકી રહ્યું હતું......”ના આ શક્યજ નથી ....સારું છે મને કોઈએ જોયો નથી.પણ,.....પણ, કઈ રીતે દેવલી આમ કમોતે મરી ? કઈ બબડતો હોય તેમ તે બક્યા કરતો હતો.કોઈ ભૂત આબડી ગયું હોય તેમ તે લવારો કરતો હતો.બસ ફરી ફરી ને એજ રટણ કરી રહ્યો હતો.....”નાં આ શક્યજ નથી.સારું છે મને કોઈએ જોયો નથી.પણ,.....પણ, કઈ અને કેમ કરીને દેવલી આમ કમોતે મરી ? જાણે તે જાણતો હોવાછતાં અજાણ બનીને દુનિયાને ઠાલા સવાલોથી ભરમાઈ રહ્યો હોય તેમ લાગતું હતું.મનમાં કાળા ડિબાંગ વાદળો ધોધમાર ગભરાટ વરસાવી રહ્યા હતા.વીજળીના ચમકારા પેઠે તેની આંખો એકદમ ઝબકી જતી અને વાદળ ગાંગડે તેમ એકદમ જોરથી ......”હું નથી ગુનેગાર ...” એમ અચાનક બરાડી ઉઠતો અને સહસા શાંત થઈ જતો.
            ચારેકોર ફરતા પંથકમાં પોલીસું મૂકી દીધી હતી.અકલ્પનીય અને કાળજા ઠુંઠવી દે તેવું કંપારી છૂટવી દેતું ભયાનક મોત.......નહી.....હત્યા.....ના,......,તો આત્મહત્યા થઇ હોય તેવું વાતવરણનાં ગરમાવા પરથી લાગતું હતું.પણ,..પોલીસને ક્યાય પગેરુના કે હત્યા,....આત્મહત્યાના કે મોતના એંધાણ નહોતા મળતા ...મૂક ચહેરા ઘણું બોલવા માંગતા હતા પણ, કંપારીથી છૂટતો પરસેવો તેમના હોઠ સીવી દેતો હતો.
                કેવી સરસ રૂપાળી ચાંદની રાતના શશી સમું મુખડું હતું.હમનાં હસુ હસુ કરતા આછેરું મલકી રહ્યા હોય તેવા મીનપિયાસી અધર,સુહાગનનાં અભરખાથી વિધવા બનેલું કપાળ અને સૂની સેંથી ,વાતો કરવા મથી રહેલા ચહેરા પરના એજ તાજા હાવભાવ ,લોહીના ટીંપા એમ રેલાઈ રહ્યા હતા જાણે શૈયા સુખથી તન પર પ્રસ્વેદ બિંદુ વળ્યા હોય.એક અણગમતી ભુખ સંતોષાઇને મનની સાચી ભુખ સંતોષવા અતૃપ્ત તરસ્યું રહેલું બદન લાલ ઝાઝમ પર ગાઢ ભયાનકતા પાથરી રહ્યું હતું.જાણે હમણાંજ બોલી પડશે કે...”બાપુ મારે મીંઢળ ક્યારે છોડવાના ? આ માણેક સ્તંભ મને મારા લગ્નની યાદગીરી માટે સાચવી રાખવા આપશોને ?;બાપુ જવતર હોમતી વેળાએ ભાઈ પાસેથી હું શું માંગું ?,માડી,બાપુ અને ભાઈને છોડીને હું એકલી કેમ ત્યાં પારકા ઘેર રહી શકીશ ? મારા ગયા પછી તમારા સાંજનું વાળું ને બપોરના રોંઢાનું શું ? આવા તો કેટલાય સવાલોને લાખેણા લાખો સપનાઓ એકપળમાં ધ્વંસ્ત થયેલા પરષોત્તમ ડોસાની આંખ્યુંમાં તરવળતા હતા.આવા સવાલોની ચુંગાલમાંથી છૂટવા તેને જોરથી દેવલી............નામનું મોટું ડૂસ્કું રાડ પાડીને નાંખ્યું.વાતાવરણ ગમગીન,ભેંકાર,ચિત્કારથી ગુંજી ઉઠ્યું.પથ્થર હૃદય પણ રાડ નાંખી જાય તેવો ડોસાનો આક્રંદ હતો.સવારના કિરણોને ચીરતી તેની પોક રાતના અંધકારને હજારો સવાલ કરી રહી હતી.હેય .....કાળમુખી રાત બસ તું મારી કાળજાના કતલ માટેજ સર્જાણી હતી.,મારા ઘડપણના વાવડ પુછ્નારી આધાર ને ભરખી જતાતાને જરાય લાજ ના આવી ? તું તો દિવસે થાકેલી જિંદગીને ઘડી આરામ આપવા માટે આવનારી શાંતિ છે તો મારી દીકરીની જીંદગીને તારી કાળી પડછાઈઓમાં ઓગાળી દેતા તારું નખ્ખોદ કેમ નાં ગયું ? મીંઢળ મઢ્યા ગળે ટુંપો દેતા કે સુહાગણનાં કોડભરી સૂતી મારી વ્હાલીની આંખો સદાય બંધ કરતા તારી હિમ્મત કેમ ચાલી ?......રે.....દેવલી........ઓં .....દેવલી......
          મનખ માત્રનેજ આ આક્રંદ નહોતું ધ્રુજાવતું .....! પણ, સઘળાં વાતાવરણને ચીરતું હતું .અંધારી રાત મુખ ફાડીને દેવલીનો કોળિયો ગળી ગઈ હતી.રાતના ઓળાઓ તેને સવારની પ્રભાત પેહલા ગળચી ગયા હતા.
               પણ,......દેવલીની આમ હત્યા કરે કોણ ? મૂક ફરતા હરેક મનેખના મનમાં ભોળી ને ગામને હમણાંજ પોતાનું કરનાર દેવલી માટે ઉભો થતો આ પહેલો સવાલ હતો.! તેને તો કોઈ હારે કંઈ વેર કે કંઈ બોલચાલ પણ કોઈ દિ કોઈના હારે થઇ હોય તેવા વાવડ ક્યાય નહોતા પડઘાયા.હંધાય ની નજરમાં તેરામતી હતી પણ ,તેના ચારિત્ર્ય અને શાલીનતાની મૂર્તિ આગળ હંધાય પાછા હટી જતા.અને ક્યારેક ખુલ્લા મોઢે તો કોઈનેય નહોતું સાંભળ્યું કે “આ જુવાન દેવલીને પામવા ચાહે છે!”...બસ થોડા દિ પહેલા કણજીનું પડીકું ગયું ને ગોળ ધાણા ખવાય ત્યારેજ સૌની નજરો મંડાણી કે કાનજી ગામનો લાખેણો ટુકડો હણી ગયો....
          સાંજ પડી ગોધન પાછા વળ્યા પણ કંઈ એંધાણ ના દેખાતા પોલીસે બે ચારનાં નીવેદન નોંધી દેવલીના દેહને પી.એમ. માટે મોકલી આપી.એજ મહેંદી ભરેલા હાથમાં લાલ રંગ ખુબ ભેંકાર ખીલ્યો હતો.કોઈ બોથડ પદાર્થથી તેનું ઢીમ એક પળમાં ઢાળી દીધું હોય તેવું લાગતું હતું.તોય મનને શાંતા ના વળતા ઉપરા છાપરી વીસેક ઘા મોટા ધારદાર છુરાથી બદનના હરેક ભાગ પર કર્યા હોય તે ચોખ્ખું દેખાઈ આવતું હતું.હા,તેનું શિયળ લુંટાઈ ગયું હોય તેમ પણ પાક્કું લાગતું હતું.જીવતી દેવલીને વશમાં ના કરી શકતા મરેલી દેવલીને હવસથી નરાધમે સાવ ચૂંથી નાંખી હોય તેવું સ્પષ્ટ દિવાળીની લાશ પરથી લાગતું હતું.બસ આટલુંજ આયખું હતું દેવલીના આ રૂપાળા દેહનું ? સોળે શણગાર સજેલો ને પરણ્યા પહેલાંની પીઠીથી ચોળેલું પીળું શરીર લાલઘુમ ભાસતું હતું.હોઠની ડાબી બાજુથી ચિત્કારીઓ પાડીને ફાટેલી તરડોમાંથી વહેલી લોહીની ધાર સુકાઈ ગયી હતી.મુલાયમ,કાળા ભમ્મર નાગણી સમા વાળ વેર વિખેર ચૂંથાયેલા ને શોણિત રંગ્યા ડરાવી રહ્યા હતા.ખૂન હતું કે બદલો કે હવસની બેશરમ હદ કે દેવાલીનાજ કોઈ અજુગતા કે અજાણ ,અગોચર કર્મોનું ફળ ? તે કોઈ કળી શકતું નહોતું ...
              પણ,....આ બધા વચ્ચે દેવલીને પી.એમ. માટે લઇ ગયા બાદ ગામ આખાનું મુખ ખુલ્યું હતું.મનેખ માત્ર કોઈ એવો નહોતો જેના મોઢામાં જીભ હોય...! વાત ક્યાંથી આવી ને કોણે કરી તે તો કોઈને ખબર નહોતી.બસ...બધાના મોઢે એક વાત ફરતી હતી...”મેં તો સાંભળ્યું છે કે એ રાતે પરષોત્તમના ઘર ભણી ત્રણ ઓળાઓ રાતના દોઢેક વાગે ગયા હતા અને પાછલા ઝાંપેથી ધીમેથી ઠેકીને પડ્યા હતા.પણ,.. લગન વાળું ઘર હતું એટલે સગા નાતેદાર હશે તેમ માની કોઈએ ધ્યાન નહોતું આપ્યું અને મેં તો એટલે સુધી સાંભળ્યું છે કે તે ત્રણેય દેવલીના........!...
આગળ દેવલીના મોતનું રહસ્ય અને તેનાં મરણ પછીનાં અને પહેલાના તેનાં જીવન વિશેનું રહસ્ય જાણવા માટે ટૂંક સમયમાં ફરી મળીશ......




* * * * * * * * *


      કોલેજના ગેટ પર બધાની નજર ચોટી છે.જોઈ રહેલ હર યુવાનને સૌથી પહેલા અનિમેષ નજરે તે માદકતું રૂપ પી લેવું છે.એ રૂપ રોજ આ કામણગારી આંખો પીવે છે છતાં તૃપ્ત નથી થતી.તે રૂપની માદકતાજ એવી છે કે તેના એક લચકામાં તો ચંપો ને મોગરો પણ પોતાની ખુશ્બૂ છોડી ઇર્ષાથી કરમાઈ જાય છે.કોલેજના બાગની સઘળી સુગંધ ક્યાય ઓસરી જાય છે ને તે રૂપ પ્રવેશે ત્યારે આખા જગતની સુવાસ જાણે તેના કનેથી પ્રસરતી હોય તેવી  ચારેકોર ફેલાઈ જાય છે.
        ઝીરો ફિગરની કમર લચકતી ના હોય છતાંય લટકા લેતી હોય તેવી, સ્પોર્ટ્સ tights ટાઈપનું ટોપ અને સ્કર્ટ તેના મખમલી બદલને આરપાર ઈજન આપતા હતા.પિન મારીને માથે ફેંન્સી સ્ટાઈલમાં ગોઠવેલા વાળ અને સાઈડમાં લટકતી અણીયાળી આંખોને પોરો દેતી હોય તેવી લટો,મોટા રસીલા હોઠ ને,હોઠમાંથી ટપકતી ભીનાશ તેની કામુક્તામાં વધારો કરતા હતી.તે આવે ત્યારેજ જાણે કોલેજ જીવંત હોય તેવું વાતાવરણ થઈ જતું.હજુ સુધી કોઈને તેના વિશેની કઈ પણ વિગત નહોતી મળી.કેટલીયેવાર  લોકોએ બધા પ્રયત્નો કરી જોયા પણ કઈ અણસાર ના મળ્યા.હજુએ લોકો પગેરું તો શોધતાજ રહેતા પણ ,તેનું રૂપથી મદમદતું ,યુવાનીથી લથભથતું બદન  સામે આવી જાય એટલે ભલભલા તેનું રહસ્ય શોધવું ભૂલીને બસ તેને ધરાઈને પીવામાંજ લાગી જતા.રોજનો સમય તેની જિંદગી બની ગઈ હતી.સેકન્ડના સોમા ભાગ જેટલો ફેરફાર તેના રોજના કાર્યમાં ના થતો.
        હેલ્લો..... ગુડ મોર્નિંગ.....પાર્થ કોલેજ...ઓલ સ્ટુડન્ટ.....આવી બૂમ ચારે તરફ બોયઝ લગાવે એટલે આખી કોલેજ જીવંત થઈ જતી....અને નિશ્ચિત સમયેજ આ બૂમ પડતી અને ત્યારે આ રૂપલલનાની એન્ટ્રી થઈ જતી.કેટલાય હૃદય ધક ધક થતા તેની નજરો પોતાના પર પડે માટે સોની સ્પીડે ધડકતા.હાય.....દેવલ...... અને તેને રોજની જેમ અલગ અલગ ગિફ્ટ કે ગુલાબથી આવકારતો રોમિલ એક ઘૂંટણિયે પડી...તાકી રહેતો....
          સાઈકલને એમજ બિન્દાસ છોડીને તે ઊતરતી જતી અને રોમિલનો હાથ ચૂમી લેતી.ચોમેર speedly ધડકતા હૃદયે 10 ની સ્પીડે સ્લો થઇને શાંત થઈ જતા.કોઈને રોમિલ કે રોમીલનો દોસ્ત બની તેની નજીક જવું હતું.તો કોઈ છોકરીને દેવલને ફ્રેન્ડ બનાવી પોતાની તરફ સૌનું ધ્યાન ખેંચવું હતું.
          હા.... દેવલ... આગળ વાત કરી જેના રૂપની તે આજ દેવલ.... રહસ્યનો મધપૂડો હતી..નજદીક  જઈએ તો ડંખની બીક અને અડીએ તો પાણીમાં ઓગળી જતા મધની જેમ છૂ થઇ જતી હવાની કલ્પના.બસ દૂર રહીને તે મધપૂડાને ચાટતું રહેવાનું.એજ મીઠાશથી અહેસાસોમાં ભીના થઇને આંતરવસ્ત્રોને લીસા કરવાની લોલીપોપ એટલે દેવલ....ના કોઈ દોસ્ત કે ના કોઈ લવર....હા...એક રોમિલ સિવાય....તેની કોલેજનું વનરાવન, દોસ્ત ,લવર, પરિવાર કે આંખોની ઠંડક.... જે પણ ગણો તે ફક્ત રોમિલજ.... રોમિલ સિવાય કોઈ તેની નજદીક ના ફરકતું.... ઊંચે ઊડતું પારેવડુ પણ જાણે તેને તારીને જતું....એટલી એકલતા ચાહતી હોય તેવું તેનું વર્તન અને હાવભાવ.... ફેશનનો આઇકોન જાણે તેજ હોય...આ શહેરમાં કોઈપણ ફેશનની વસ્તુની પહેલી લોંચ એટલે જાણે દેવલ....તેની ફેશનેબલ મુજબ આખી કોલેજ ચાલતી...હાથમાં સોનેરી જાળીદાર ચેન સમું બ્રેસલેટ,આટલી ફેશન છતાં કપાળ પર નાગણીની બિંદી અને પગમાં અડધી વેંત ઊંચે ફિટ જકડીને બાંધેલી પતલી સેર... નાકની બંને બાજુએ મદરાશણ કે બંગાળણની જેમ ઘૂઘરીયાળો રવો ,અને, આટલી ફેશન વચ્ચે પણ પોતાની જૂનવાણી સંસ્કૃતિને પણ માન આપતી હોય તેમ જાજરમાન શણગારાયેલીજ રહેતી.... અને રોમિલ.....
......     .....રોમિલ એટલે મૂંછના બે દોરા પણ માંડ ફુટેલો યુવાનીનો મદમસ્તો હાથી ,બાહુબલી સમી ભૂજાઓ ને, પહોળી છાતી..,બતક ડોક સમી લાંબી ડોક અને એ ડોકને પણ અડધેક ઢાંકી દેતું તેના ખભાઓનું માંસલ, ચરબી ભર્યું ,કસરતથી કસકસતું કરેલું માંસલ ,મોટી અને પહોળી આંખો,આંખો પરની  પાંપણોના લાંબા વાળ અડધા વળીને ભ્રમરોને અડવા મથી રહ્યા હતા.લાલ મંજર કીકી... જાણે સફેદ ચાદરમાં ચાંદો લાલ રંગ પીને ખીલ્યો હોય, લાંબુ,અણિયાળું ભરાવદાર નાક, દેવલના હોઠ કરતા બે ગણા મોટા અને જાણે ઘાટા ગુલાબી બરફ રંગ ચૂસીને પકવ્યા હોય તેવા હોઠ,મકાઈના દાણા જેવા સળંગ ગોઠવેલા દાડમ કળીના રંગ સમા દાંત,લાંબાને  ભરાવદાર લાઈટ બ્રાઉન વાળ ઉભો ગુચ્છો લઈને હવાને જાણે ફર ફર લહેરાવતા હોય તેવા ઉડતા હતા .સાડા સાત ફૂટ ઊંચું પહાડી બદન,હિમાલયના બરફનો ટુકડો હોય તેવા શ્વેત વર્ણા ચરણ અને તે ચરણોને ઢાંકતા લોફર શૂઝ...દેવલની રાહ તો ફક્ત છોકરાઓ વધુ ને છોકરીઓ ઓછી જોતી પણ,...પણ, રોમિલ રોમિયોની રાહ તો બધા છોકરાને છોકરીઓ રોજ જોતા હોય...ભલભલા પુરુષને પણ દેવલ કે અપ્સરા બનવા મજબુર કરી દે તેવો તેનો ઘાટ ,પડછંદ કાયા અને રૂપ હતું...અને આ રોમિલનો એકજ મિત્ર હતો...તલપ....નામ હતું તલપ પણ,જાણે તેને કોઈ તલપજ ના હોય તેવું લાગતું હતું...અથવા તો સઘળી તલપ પૂર્ણ કરીને સંતોષ થયેલું લપ વગરનું બદન એટલે તલપ.....!.ખબર નહિ  અંદરથી તે સળગતો જ્વાળામુખી હતો કે નહીં પણ,બહારથી તો જાણે થિજેલો બરફ ...ના કોઈ પ્રત્યે નજર મેળવવી કે ના કોઈને નજર મેળવવાનો મોકો આપવો...હૃદય જાણે કુંઠઈ ગયું હોય અને આંખે જાણે મોતિયો આવી ગયો હોય તેમ કોઈને નિહાળતીજ ના હોય તે રીતે જિંદગી જીવતો હતો... બસ આ ત્રણની ત્રિપુટી આખી કોલેજમાં ચર્ચાએ રહેતી ...દેવલ, તલપ ને રોમિલ....ક્યાંના હતા ત્રણેય ને કેવા પરિવારના હતા ને શી મંઝીલ સાથે આવ્યાતા... તે પણ કોઈ આજ દિન લગી નહોતું જાણી શક્યું...
           રોમિલ અને દેવલની લવશિપ આખી કોલેજ જાણતી અને તલપ તો સારી પેઠે સાથ પણ આપતો હતો....એકવાર દેવલ કોલેજમાં આવી ગઈ...સૌની આંખો છક થઈ ગઈ...કેમ કે આજે દેવલ એકલી આવી હતી ....રોમિલ સાથે નહોતો આવ્યો..પણ..,પણ, હા....તલપ....

* * * * * * * * *




          તલપ અને દેવલની એન્ટ્રી થઈ.કોલેજમાં રોજ બૂમો નાખી દેવલની જાણ કરતા લોકો ઉદાસ થઈ ગયા હતા.આજે તેમને મેહેસૂસ થયું કે,ના દેવલ તો રોમિલથીજ શોભે છે.અત્યાર સુધી લોકો દેવલનેજ કોલેજની રોનક માનતા હતા પણ, પહેલીવાર આખી કોલેજને ખ્યાલ આવ્યો કે દેવલનું અજવાળું તો રોમિલના પ્રકાશથીજ પ્રસરે છે.આજ પહેલીવાર આખી કોલેજને રોમિલનો ખાલીપો લાગતો હતો.
           હર યૌવન ઉદાસીથી મઢાઈ ગયું હતું.ચહેરાની રોનક અને હોઠ પરની મુસકાન ક્યાં ગાયબ થઈ ગઈ હતી. પણ, આ બધી ઉદાસીને વિચારો વચ્ચે સૌના હોઠે એકજ સવાલ રમતો હતો કે , રોમિલ ક્યાં ?........આટલા વરસની રોજની જોડીમાંથી એક પારેવડુ અચાનક ક્યાં ગાયબ થઈ ગયું ?.. અને તેના બંને ખાસ મિત્રો દેવલ અને તલપના ચહેરા પર તેના ના આવવાનું લેશમાત્ર એક પણ ઉદાસીનું કિરણ નહોતું દેખાતું.તલપ સાથે દેવલ એવી રીતે ખુશ હતી જાણે કે, તેની રોજ એન્ટ્રી તલપ સાથેજ થતી હતી અને જાણે, તલપજ તેનો વર્ષો જૂનો પ્રેમ હોય અને તલપમાં આજે આટલી તલપ, ખુશી , પ્રેમ અને રોમિયોગીરીના ભાવ ક્યાંથી વર્તાયા....તેજ કોઈ ના સમજી શક્યું.આજે તલપની તલપ જાગી હતી.
          આજે પહેલીવાર તેના ચહેરા પર પ્રેમના અંકુર ફૂટ્યા હતા અને સૌના આશ્ચર્ય વચ્ચે રોમિલની જગ્યાએ તલપ એક ઘૂંટણભેર બેસી ગયો અને દેવલને ગુલાબી-ગુલાબથી આવકારી.દેવલ પણ, જાણે તેનો પ્રેમ રોમીલ નહીં પણ તલપ હોય તેવી રીતે ગુલાબ સ્વીકારી લીધું. દેવલના ચહેરા પર પણ, તલપ માટે તલપ દેખાતી હતી.તેની આંખોમાંથી કામુકતાની લાળ ટપકતી હતી.હોઠ ભીના થઇ ગયા હતા.ચહેરા પરની ખંધીલી મુશ્કાન કંઈક શતરંજ ખેલીને આવી હોય તેવા અપારદર્શક ભાવ બતાવતી હતી.
          તલપ અને દેવલની દ્રષ્ટિ સામ-સામે ટકરાતી  ત્યારે કોઈને ખંજન મારીને ભવભવની ખુશીયા લઈને આવી હોય તેવી કાતિલ હતી.બસ એજ ગૂઢ રહસ્ય નહોતું છતું થતું કે તે બંનેએ કોઈ દુશ્મનને ઘાયલ કરીને આવ્યા હતા કે દોસ્તને ?...
         કોલેજમાં આજ ફક્ત બેજ ચહેરા ખુશ હતા.એક તલપ અને બીજો દેવલનો ચહેરો....કોઇએ તેમને રોમિલનું કઈ પૂછ્યુંએ નહીં કે તેમને પણ, કઈ કોઈને બતાવ્યું નહીં કે કોઇને કંઇ વાતચીત ન કરી.ક્યાંય દિવસ પૂરો થઈ ગયો અને બીજા દિવસની સોનેરી પ્રભાત ફરી રોમિલને જોવા શમણાં લઇને ઉગી...
      પણ...આજેય રોમિલ ના આવ્યો...આજ નહીં આમને આમ છ મહિના પસાર થઇ ગયા પણ, રોમિલ કોઈ દિવસ કોલેજના દેખાયો.રોજ સવાલો સૌના મન પર ઉગતા અને સાંજ પડતા જવાબના પાણી વિનાજ કરમાઇ જતા.સૌએ ધીમે ધીમે પોતાની આંખોને આદત પાડી દીધી.રોજ તલપ અને દેવલનેજ જોઇને ખુશ રહેવાની.હા, રોમિલ અને દેવલની એન્ટ્રીથી જે ખુશી મળતી હતી તે ક્યારેય કોઈના ચહેરા પર ના આવી પણ, બધાએ દેવલને અને તલપને સાથે અપનાવી લીધા હતા.દેવલની ફરી બૂમો પડવા લાગી....પણ,... સાથે-સાથે દેવલની તલપ એવી બૂમો પડતી.સમયના હાંસિયામાં રોમીલ ક્યાંય ધકેલાઈ ગયો.
           કોલેજનું વર્ષ પૂરું થયું.એજ રહસ્ય લઈને રોમિલ ક્યાંય ખોવાઈ ગયો.દેવલ કોણ હતીને ક્યાંની હતી તે બધા રહસ્યો લઈને દેવલ પણ જતી રહી.તલપ કોણ હતો તે તો બધા જાણતા હતા.પણ, ક્યાં ગયો તેનું રહસ્ય સૌના જીવનમાં મૂકતો ગયો.સૌ કોઈ પોતપોતાની ડિગ્રી અને ત્રણ રહસ્યોનો મધપુડો લઈને ગયા.
           સમય જતા વાર નથી લાગતી. તલપની હવસ કોઈદિ સંતોષાઈજ નહીં...અને તે દેવલથી દૂર થઈને પાગલ જેવો થઈ ગયો હતો...પાગલપણાના ઓછાયા તો જ્યારે તેમની જોડેથી રોમિલ દૂર થયો અને તે દેવલે રોમિલની અદાથી કોલેજને ચકિત કરી દીધી ત્યારથી થઈ ગયા હતા.પાગલ તે દેવલથી થયો હતો કે રોમિલના ગુમસુદાપણાથી તે તલપ ખુદ પણ નહોતો જાણી શકતો...
             રોમિલનું રહસ્ય તે અને દેવલજ જાણતા હતા અને તે રહસ્યએજ તલપના પાગલપણામાં તડપતો કરી દીધો હતો.પણ, આ રહસ્ય સિવાય તે એક રહસ્ય દેવલનું પણ જાણી ગયો હતો.દેવલનો ઇતિહાસ અને દેવલની ઓળખ.વટ કરીને ફેશનનો  આઈકોન બની ફરતી દેવલ ગામડાનું હીર હતી.ટાઈટ જીન્સ કપડાંમાં શહેરમાં ફરતી દેવલ ગામડાની ચૂંદડીમાં ચમકતું તેજ હતું....કોલેજના હર યુવાનના હૃદયમાં રમતી દેવલ ગામડામાં કોઈ આંખ ઊંચી કરીને ના જોઈ શકે તેવી તેવડ હતી દેવલ...રોમિલ અને તલપની પ્યાસ અને તૃષાથી તડપાતી હવસ એટલે દેવલ....ગામડાના કાનજીની થનારી અર્ધાંગિની એટલે દેવલ.....રહસ્યોના મધપૂડામાં આખી કોલેજને આટલા વર્ષો લગી અંધારામાં રાખનારી દેવલ.....ગામડાના પરષોતમની આંખની કિતાબ અને આબરૂનું રતન એજ દેવલ હતી કે જેનું નામ ગામડામાં દેવલી હતું...

* * * * * * * * *

          ..હા..... દેવલ એજ દેવલી હતી.ઊંચેરા સપના લઈને ગામડામાં જન્મી હતી દેવલી.... અનોખી પરંપરામાં જીવતું હતું તે ગામડું...રૂઢિવાદી પરંપરાઓ જે એકેય શાસ્ત્રોમાં નથી તેને આગળ ધરીને આ ગામ અસહ્ય અને અશક્ય કહી શકાય તેવા રિવાજો ને ફતવાઓ માં જીવતું હતું.ટીવીઓમાં રોજ આધુનિકતાના લિબાસ પહેરેલી સુંદરીઓ જોવી હતી અને રાત્રે સપનામાં તેની સાથે વિહરીને રજાઈઓ લીસી કરવી હતી.પણ,.. પણ,.. પોતાની કે ગામની...કોઈ દીકરી,વહુ કે બૈયરું આ આધુનિકતાનો પડછાયો માત્ર ઓઢે તોય હલબલાવી નાખે એવા ક્રૂર કુરિવાજો ઓઢાડીને ઠાર સુવડાવી દેતા...
         ....અને આવોજ એક કુરિવાજ હતો છોકરીના શીક્ષણના અધીકારને હણતો કાયદો... ગ્રામ પંચાયત હતી પણ, જાણે, ખાપ પંચાયત હોય..!...વિકાસ હતો ગામનો પણ, ગ્રામજનોનો નહીં ! . વિકાસ હતો દીકરીઓના સંસ્કારનો પણ શિક્ષણનો નહીં !..મર્યાદાઓનું આખુ સંવિધાન આ ગામે ઘડી કાઢ્યુ હતું.પુરુષ જાત માટે મર્યાદાઓ એટલે ગમે તેમાં ને ગમે ત્યારે છૂટ લેવાનું બારણું... અને સ્ત્રી માટે મર્યાદાઓ એટલે ચારેબાજુ મોટા ખડકો જેવા પથ્થરોથી બંધ અને મસાલોથી જીવતી ગુફાનું અંધારું...પુરુષ જાતને ભણીને ગણીને અફસર બનવાનું અને સ્ત્રી અંગૂઠો મારે તો પણ, જાણે સો જન્મોનું પાપ લાગે તેવો કાયદો..
           પંચાયત બેઠી હતી વિકાસના કામ અર્થે અને ઘડી કાઢ્યો કાયદો ખાપ પંચાયતનો....
   "દીકરીને એક પણ આંકડાનું અક્ષર જ્ઞાન નહીં આપવાનું."
    "ક્યાંય તેમનો અંગૂઠો પણ ના હોવો જોઈએ."
    " દીકરીઓને ભણતરથીજ ખરાબ સંસ્કારો આવે છે.આધુનિકતાના અક્ષરો તેમના જીવનમાં કાળી કરતૂતોના બીજ રોપે છે.તેમનામાં ચારિત્ર્યહીનતાના ભાવ જગાડે છે."
     "શાસ્ત્રોમાં કે ઇતિહાસમાં સ્ત્રીઓના શિક્ષણના ઝાઝા પુરાવા નથી મળતા આથી આપણા ગામમાં ક્યારેય દીકરીના શિક્ષણ માટે કોઈ પહેલ કરશે નહીં કે તેનો અમલ પણ કરશે નહીં ."
     "જો કોઈપણ આવી ભૂલ કરશે તો તેને સમાજ અને ગામ બહાર મુકવામાં આવશે.તે ઘર સાથે કોઇપણ સામાજિક કે આર્થિક વ્યહવાર રાખવામાં નહીં આવે."
     "શિક્ષણ લેનાર કન્યા આજીવન કુંવારી રહેશે અને શિક્ષણ આપનાર તેના પરિવારના લોકોને ગામ બહાર ગધેડા પર ઊંધા તગેડવામાં આવશે."
     "તેમની પાસેથી તમામ મિલકત અને ઘર સુદ્ધા જતા લેવામાં આવશે."
       ..અને આ કાયદો સુવર્ણ અક્ષરે લખાઈને ગામની પાદરે , સીમાડે અને ચોકમાં તકતીરૂપે મુકવામાં આવશે અને આ બાબતની ક્યાંય પણ જાણ કે વિરોધ કરનારને પણ આજ ગુનો અને કાયદા લાગુ પડશે.
        બસ આ કાયદામાં બંધાઈને સઘળી દીકરીઓ  અંગુઠામાં પણ અભણ હતી.બહારથી વહુ બનીને આવનાર પણ અભણજ લાવવામાં આવતી હતી.સઘળી દીકરીઓ સપનામાં ભણતર તો ઠીક પણ, અંગૂઠાનોએ વિચાર માત્ર ના કરી શકતી.પણ આ બધામાં નોખેરી માટીની મુરત ભગવાને પુરુષોત્તમને ત્યાં ઘડી હતી.
        દેવલી પરસોતમની અલગ મૂરત હતી.તેનામાં ગર્ભજાત હોશિયારીના ગુણો હતા.ગામમાં કે ક્યાંય પણ જેનો બાધ હોય તેનેજ પામવા તે મથતી.પરસોતમની પણ તે વહાલી હતી.આથી તેના હર અરમાન પરષોત્તમ હોંશે હોંશે પૂરા કરતો...અને એકવાર નાનેરી દેવલીએ પરસોતમને પાટી પેન લઈને ભણવા જતી ને ટીવીમાં આવતી છોકરીની જાહેરાત વિશે પૂછ્યું...
   આ ભણાવું એટલે શું ? અને..
   છોકરીઓને આ ભણવાનું ક્યાં મળે ?. અને..
   હેં બાપુ હું ભણી શકું ?...
        આવા માસુમ સવાલો દેવલીના ચારેક વર્ષના રૂપાળાં મોઢે સાંભળીને પરષોતમ રડમસ થઈ ગયો.તેણે મનોમન નક્કી કર્યું કે આના જવાબ મારે દેવલીને આપવા નથી પણ, તેનો સાક્ષાત્કાર કરાવવો છે..અને એજ દિવસની સમી સાંજે દેવલી ને લઈને શહેરમાં રહેતા પોતાના વિશ્વાસુ અને લંગોટિયા ભાઈબંધ સુદાનજીને ત્યાં ગયો.તેનો લંગોટીયો યાર સુદાનજી પણ ગામના અમાનુષી અત્યાચાર સમા કાયદાથી દૂર રહેવાજ વર્ષો પહેલા શહેરમાં જઈને સ્થાયી થયો હતો.ફરી કોઈ દિવસ ગામ પાછો નહોતો વળ્યો.હા, ટપાલથી તેના વિશ્વાસુ ભાઈબંધ પરષોત્તમ જોડે જીવંત જોડાઈ રહ્યો હતો.
         એકાદ વર્ષ જેટલું દેવલીને પોતાને ત્યાં રાખીને સુદાનજીએ સારી હોસ્ટેલમાં દીવલના નામથી દેવલીને દાખલ કરી દીધી.સાથે સાથે પોતાના રોમીલને પણ, ત્યાંજ ભણવા અને રહેવા મૂકી દીધો.ગામમાં પરસોતમએ દેવલીને દૂરના સગાને ખોળો ના ભરાતો હોવાથી દેવલીને ખોળે આપી દીધી તેવી વાતો વહેતી મૂકીને ગામના હંધાયને વિશ્વાસમાં લઈ લીધા.રૂપમાં ચાર ચાંદ લાગતી દેવલ થોડી વાતમાં ઘણુ સમજી જતી અને પોતાને આગળ વધવું હોય અને આ ભણતર નામનું આભલું ઓઢવું હોય તો , પોતાની જાતને ,ઓળખને અને સપનાઓને અજ્ઞાત રાખવામાં જ ભલાઈ છે તે...તે...સારી પેઠે જાણી અને સમજી ગઈ હતી.
         રોમિલ અને દેવલ પહેલેથીજ સાથે ભણવા બેઠા હતા અને તે બંનેજ હરીફાઈમાં રહેતા...અને એકબીજાને સાથ આપતા.બંનેના જીવ બચપણથીજ મળી ગયા હતા.બંને વાયદાના બંધનમાં બંધાઈ ગયા હતા.હાઈસ્કૂલમાં તેમની ઓળખ તલપ સાથે થઈ અને તેમની ત્રિપુટી છેક કોલેજ લગી અજર-અમર રહી.
          સુદાનજી પણ દેવલ અને રોમિલને સાથે જોઈને ખૂબ હરખાતો અને મનોમન સપનાઓ જોતો પણ, પોતાના મનના અભરખા લંગોટિયા ભાઈબંધ પરષોતમને ક્યારેય ના કહી શક્યો.આમ ને આમ કોલેજ પૂરી થઇ અને દેવલ ફરી પાછી ગામડાની દેવલી બનીને બાપના ઘરે પરત ફરી.દેવલીને ખોળે બેસાડનાર બેય મનેખમાંથી એકેય હયાત ના રહેતા... અને... દેવલી પરણવા લાયક થતા ફરી તેને પરષોત્તમ પોતાની કને લઈ આવ્યો છે તેવી વાત આખા મલકમાં તેને વહેતી મૂકી.પરસોતમ ગામમાં રૂઢિવાદી રિવાજો અને ગામડાના કુરિવાજોનો બલી બનીને જીવતો રહેતો હોવાથી કોઈએ ક્યારેય તેના પર શક ના કર્યો કે ના પૃચ્છા કે તપાસ કરી.થોડો રૂપિયાનો દમ હોવાથી હંધાય તેને માનની નજરે જોતા હતા અને ગામએ પણ, ખૂબ ટૂંકાગાળામાં દેવલીનેએ કુરિવાજોથી ઢંકાયેલી માનીને સ્વીકારી લીધી.દેવલીએ પણ કોઈને સંદેહ ન્હોતો આવા દીધો.
          ...આગળ જોયું તેમ દેવલીના કાનજી હારે લગ્ન લેવાયા અને આગલી રાતેજ દેવલી અગમ્ય કારણોસર કેટલાય રહસ્ય ઓઢીને મરણનું ખોપણ ઓઢી ચાલી નીકળી.શહેરમાં એક વાર સુદાનજી પરસોતમના નાનાભાઈ નરોતમને ભેટાઇ ગયા અને સુદાનજીને એમ કે.. નરોતમ દેવલનો સગો કાકો હોવાથી સઘળું જાણતો હશે.આથી વાતવાતમાં તેમને તે મેંલી વિદ્યાના અઘોરી અવતાર નરોતમ સામે દેવલ અને રોમિલની સગળી કથા વર્ણવી દીધી.ને સાથે સાથે પોતાના મનનાં ઓરતાં પણ કહી દીધા.ખંધા સ્મિત સાથે, મનના ભેદ ના પરખાય અને હૈયાની મેલી કપટ નીતિ હોઠ પર ના આવી જાય તેની ખૂબ સાવચેતી રાખીને નરોત્તમ કડવા લાગતા સઘળા ઘૂંટડા પી ગયો.પણ, દેવલીની દેવલ બની જીવાઈ ગયેલી જીંદગી ફરી દોઝખ ના બનાવું તો...મારું નામ અઘોરી નરોત્તમ નહીં..તેવી મનોમન નેમ લઈને સુદાનજી કનેથી તેને ગામડે આવવા વિદાય લીધી અને દેવલ રોમિલની વાતનું રહસ્ય કોઈને ના કહેવા ખંધા હાસ્ય સાથે સામેથી ભલામણ કરતો ગયો.
         પરષોત્તમને પણ તેને ગંધ ન આવવા દીધી કે દેવલીને ભણાવવા દેવલ બનાવીને સુદાનજીને ત્યાં તે તેને મૂકી આવ્યો હતો તેની જાણ સુદાનજીએ તેને કરી છે.
           પરષોત્તમ તો બસ નરોતમને પણ લગ્નના બધા કાર્યોમાં હોંશે હોંશે જોડતો હતો.ને નરોતમ પણ, સગી દીકરી સવલી પરણતી હોય તેવા ઉમંગ સાથે હંધાય કામ ઉત્સાહથી કરે જતો હતો.તે મેલી વિદ્યાનો જાણકાર હતો તે આખું ગામ જાણતું હતું.પણ, તે મેલીવિદ્યા વડે જીવતા વ્યક્તિના દેહમાંથી આત્માને સ્વર્ગ નરક ને સઘળી દુનિયાનું ભ્રમણ કરાવી શકે છે તે કોઇ ન્હોતું જાણતું.લગ્નના બે દિવસ અગાઉ રાત્રિની એકલતાનો અને દેવલીની એકલતાનો લાભ લઇને તેને દેવલીને તેની અને સુદાનજીની મુલાકાતની વાત કરી અને સાથે સાથે દેવલ અને રોમિલની રહસ્યવાળી વાત તથા સુદાનજીએ તેને રોમિલના માટે દેનો હાથ માગ્યો હતો તેની પણ વાત કરી અને આ વાત તેને મોટાભાઈ પરષોત્તમ કે કોઈને પણ નથી કરી તેવી પણ ચોખવટ કરી...અને...અને.. પોતાના મનની મેલી મુરાદ આગળ વધારતા તેને દેવલીને ભોળવી કે..
      "ક્યાં રોમિલ અને ક્યાં આ ગામડિયો કાનજી? શહેર જઈશ તો તારું આ રહસ્યના આયખા ઓથે જીવેલુ-ભણેલું અને મેળવેલું ભણતર કઈક લેખે લાગશે અને રૂપાળા રોમિલ સાથે સોનેરી સંસાર માંડી શકીશ....અને આની ગંધ સુદ્ધાં ના આવે  તેવો રસ્તો મારી કને છે.જો તારે આ પ્રમાણે જીવવું હોય તો..!..
         દેવલી થોડીક વાર તો મૂંઝાઈ ગઈ પણ સગો કાકો હોવાથી વિશ્વાસ આવ્યો અને મારું સારુ ઈચ્છે છે માટે મારા કાકા મને રસ્તો બતાવે છે..એમ વિચારી દેવલી પણ નરોતમની માયાજાળમાં ભોળવાઈ ગઈ અને સોનેરી સપના જોવા લાગી.પણ, તેને અને તલપે  રોમિલનું જે કર્યું હતું કે ડંખ મનોમન તેને અચાનક ચુંભવા લાગ્યો...પણ,કાનજી કરતા રોમિલ અને તલપ ક્યાંય સારા હતા તે તે જાણતી હતી.અને રોમિલના રસ્તેજ તલપ પણ તેને સરળતાથી મળી રહેશે તે વિચારે તેને નરોતમનો જે પણ રસ્તો હોય તે સ્વીકારવા તૈયારી બતાવી.
            નારોતમે વ્યૂહરચના સમજાવી....મેલીવિદ્યા વડે તે  દેવલીના આત્માને લગ્નની આગલી રાતે વિહાર કરવા મોકલશે અને લોકો દેવલીના દેહને મૃત જાણી અંતિમ ક્રિયા કરવા લઈ જશે.ત્યાં તે સૌને પોતાની નજરમાં બાંધીને અગ્નિસંસ્કાર ને બદલે નવોઢા બનવા જઇ રહેલી દેવલી માટી સાથે ભળે અને તે સતી સમાન જીવી હોવાથી સમાધિ બનાવી શકાય માટે દફનવિધિ કરવા બધાને મનાવી લેશે અને પોતાની વિદ્યા પડે દેવલીના દેહને તે પાંચ દિવસ જમીન નીચે પણ જીવતો રાખશે અને દફનના બે દિવસ બાદ દેહ કાઢીને દેવલીના આત્માનો ફરી તેમાં વશ્વાસ પૂરશે અને દેવલીને સુદાનજી કને લઈ જઈને વિગત સમજાવશે અને દેવલ-રોમિલના ધામધૂમથી લગ્ન કરાવીને, બે પ્રેમી પંખીડાનું મિલન કરાવીને....પુણ્યનો રસ્તો પામીને ગામડે પરત આવીને નોર્મલ જિંદગી જીવશે..
        દેવલી કાકાની ભોળી અને મીઠી વાતોમાં ભોળવાઈ ગઈ અને લગ્નની આગલી રાતે સઘળી વિધિ કરવા તૈયાર થઈ ગઈ અને આ બાબતની જાણ કરતો તાર તલપને રવાના કરી દીધો અને આગલી રાતે...

        ( આગળનું રહસ્ય જાણવા મળવાનું ભૂલતા નથી...આપનો આશુમન સાંઈ યોગી રાવળદેવ...જય અંબે સાંઈ... આપના કીંમતી પ્રતિભાવ આપો whatsapp 84 6 99 10 3 89આભાર...)