...

8 views

ઓફીસનો અધૂરો પ્રેમ
      એક તો મોડું થતું હતું...ઘરેથી જ મોડી નીકળી હતી અને એમાં રસ્તામાં ટ્રાફિક જામ..! હવે કરવું શું એ નહોતું સમજાતું. ૧ મિનિટ માટે ટ્રાફિક ખૂલે અને પાછી ગાડી અટકી જાય. એરપોર્ટ જવાનું મોડું થતું હતું એટલે ગુસ્સો પણ માથે ચડ્યો હતો. શિવાની હવે કંટાળી ગઈ હતી. ટ્રાફીકમાં ગાડી ધીમે ધીમે જઈ રહી હતી ત્યાં તેની નજર એક બિલ્ડિંગ પર પડી.  તેની આંખો એ બિલ્ડિંગ સામે જ સ્થિર થઈ ગઈ. ક્ષણ વાર માટે જિંદગી આખી ફ્લેશબેકમાં જતી રહી.

    હોર્નનો અવાજ એકદમ કાને પડતાં શિવાનીનું ધ્યાન ભંગ થઈ ગયું. ગાડી એ બિલ્ડિંગ પાસેથી દૂર ચાલી ગઈ. ફ્લેશબેકના વિચારોમાં શિવાનીનો મોડું થયાનો ગુસ્સો સાવ શાંત પડી ગયો. ક્યાં એરપોર્ટ આવી ગયું તેને ખબર જ ન પડી. પોતાનું લગેજ લઈ શિવાની જતી રહી. પરંતુ તેનું ધ્યાન તો હજી એ વિચારોમાં જ ખોવાયેલું હતું. બોર્ડિંગ પાસ ચેક કરાવી શાંતિથી બેસી.



"પહેલા દિવસે જ મોડું.....! આ એક પ્રાઇવેટ કંપની છે મેડમ... અહીં સરકારી ખાતાની જેમ મોડું નહીં ચાલે.."

"સોરી સર....આજનો દિવસ માફ કરી દો.. કાલે ટાઈમ પર આવી જઈશ."

     ગભરાતાં ગભરાતાં શિવાની ઓફિસના મેનેજર સાથે માફી માંગીને પોતાની જગ્યા પર આવી બેસી ગઈ. પહેલો દિવસ એટલે કામ ક્યાંથી શરૂ કરવું એ તો ખ્યાલ જ ના હોય. મેનેજર પણ તીખા સ્વભાવનો હતો એટલે પૂછતા પણ થોડો ડર લાગતો હતો. છતાંય શિવાની પોતાના કામને શીખવાની પૂરી ધગસ બતાવી. શિવાની એક સારી પાર્ટી પ્લાનર હતી. પરંતુ પોતાનો બિઝનેસ કરવા કરતાં તેને જોબ કરવાનું જ પસંદ કર્યું.

     થોડા દિવસમાં શિવાની તેના કામમાં અને ઓફિસમાં બરાબર સેટ થઈ ગઈ.  હવે તેને માટે કામનો ભર પણ વધવા લાગ્યો. એક મોટા લગ્નના પ્રોજેક્ટ પર શિવાનીને કામ કરવાનો મોકો મળ્યો.  આ કામની બધી જ જવાબદારી તેના માથે હતી. સાથે ઓફિસના બીજા પણ એકાદ વ્યક્તિને તેની સાથે રાખવામાં આવ્યા હતાં. આમ શિવાનીને પોતાનો પહેલો પ્રોજેક્ટ મળ્યો.

"મીસ શિવાની પટેલ..." પોતાનું નામ સાંભળતા શિવાનીનું પાછું ધ્યાન ભંગ થઈ ગયું. વિચારોમાં તે ભૂલી જ ગઈ કે તેને પ્લેનમાં બેસવાનું છે. તે ત્યાં જ બેસી રહી હતી. જલ્દીથી પોતાની બેગ લઈ તે પ્લેનમાં બેસવા જવા લાગી. પ્લેનમાં પોતાની સીટ પર બેસીને પોતાને એ વિચારોથી દૂર કરવાનો પ્રયત્ન કરવા લાગી. પરંતુ ફલેશબેકના વિચારો હવે તેને શાંત જ નહોતા પાડવા દેતાં.


પાવાગઢના સુંદર રમળીય વાતાવરણમાં એક શાનદાર રિશોર્ટ હતું. એજ રિશોર્ટમાં એક ભવ્ય લગ્નનો પ્રોજેક્ટ શિવાનીને પૂરો કરવાનો હતો. લગભગ લગ્નના કાર્ડથી લઈને રિશેપશન સુધીની તમામ સુવિધા તેની ટીમને માથે હતી. ટીમ મેમ્બર તરીકે શિવાની પોતે શિવાની સાથે એક છોકરી નીલું અને બે છોકરાઓ દર્શન અને કબીર હતાં. કબીર થોડો મસ્તીખોર છોકરો હતો. પરંતુ દિમાગ જોરદાર ચાલતું એનું. લગભગ ૧૫ દિવસની તેઓની ટીમની સુંદર સજાવટ, ઉત્તમ જમવાનું, રહેવાની બધી જ એવન ફેસિલિટી કુલ મળીને બધી જ મહેનત રંગ લાવી. આ કંપનીનો સૌથી બેસ્ટ મેરેજ પ્રોજેક્ટ સાબિત થયો. કંપની દ્વારા તે ચારે વ્યક્તિને પ્રમોશન અને પાર્ટી આપવામાં આવી.

"મેડમ યુ લાઈક ટી ઓર કોફી...?"

"મેડમ યુ લાઈક ટી ઓર કોફી....?

જાગતી આંખે સપનામાં તલ્લીન લાગતી શિવાનીને એરહોસ્ટેસે બે વાર ચા કે કોફી માટે પૂછ્યું. પરંતુ તેનું ધ્યાન જ ન હતું.
"એકસક્યુઝમી મેડમ... યુ લાઈક ટી ઓર કોફી...?"
"ઓહ સોરી..... બટ નો થેંકસ."
એ વાતોની યાદોને ફરીથી તે વાગોળવા લાગી..


"અટેનશન પ્લીઝ.... આજની પાર્ટી શિવાનીની ટીમને નામ.."
અને ડીજેનો વોલ્યુમ વધી ગયો... ફુલ મસ્તીના મૂડમાં શિવાની તેની દોસ્ત નીલું, દર્શન અને કબીર પાર્ટીની મજા લઇ રહ્યાં હતાં.  કબીરની મસ્તી અહીઁ પણ એવી જ હતી. શિવાનીની જોડે તે ખૂબ મસ્તી કરતો હતો. પરંતુ શિવાનીને મન આજે કબીર થોડો વધારે ગમી રહ્યો હતો. શિવાનીએ તેની સાથે ડાન્સ કર્યો, તેની સાથે ફૂલ મસ્તી કરી અને  અજાણતા તેને એ પસંદ કરવા લાગી. નીલુને શિવાનીના મનની વાતની જાણ તેના વર્તન પરથી થઈ ગઈ.

બીજા દિવસે ઓફિસમાં આ ચારે જણા સાથે લંચ કરવા ભેગા થયાં. શિવાની ચૂપચાપ જમવાનું જમતી રહી પરંતુ તેની નજર તો કબીર પરથી હટતી જ ન હતી. નીલું તેની દરેક હરકતને જોઈ રહી હતી. કબીરની જરા દૂર જતા જ નીલું શિવાનીને કહી બેઠી....

"દિલની વાત છુપાવી કોઈ મતલબ નથી શિવુ... કહી દે એને."

"શું દિલની વાત.... કોને કહું હું... તું પણ શું નીલું કાઈ પણ બોલે છે."

"બેસને હવે... તારી આંખો જ બધું કહી રહી છે.  કબીર તને ગમવા લાગ્યો છે અને તું કબીરને મનથી પ્રેમ કરવા લાગી છે."

"નીલું ચૂપ થા હવે કાઈ પણ બોલી જાય છે તું... "

" મેડમ શિવાની.... ના છુપાવિશ હવે આ વાતને.....મને નહીં તારા દિલને પૂછ કે આ વાત સાચી નથી?"

"ચાલ યાર જમી લીધું આપણે હવે કામ કરીએ."

નીલુની વાતને ટાળીને શિવાની પોતાના કામે લાગી ગઈ. બીજી તરફ નીલું પણ શિવાનીની ખુશીમાં વધારો કરવા માંગતી હતી. બસ એક મોકાની તેને જરૂર હતી. બીજા દિવસે કબીરના ટેબલ પર એક હાર્ટ શેપનું કિચેન પડ્યું હતું. કબીર તેને જોઈને નવી પામ્યો કે આ કોનું હશે...! નીલું તેની બાજુના ટેબલ પર જ બેસતી હતી. કબીરે નીલુંને પૂછ્યું તેના વિશે. નીલુએ ખાલી ખાલી શિવાનીનું નામ આપી દીધું.  કબીરને માટે અજીબ લાગ્યું કે શિવાની શા માટે એવું કરે. પરંતુ એ વાતને બહુ ધ્યાનમાં ન લેતા તે પાછો પોતાના કામે લાગી ગયો.

આજે ફરીથી કબીર શિવાની અને નીલું સાથે જમવા બેઠા. કબીરે પોતાના ખિસ્સામાંથી પેલું હાર્ટ શેપનુ કિચેન કાઢીને શિવાનીને આપ્યું. કબીર કાઈ બોલે તે પહેલા જ નીલું બોલી પડી.....

"અરે વાહ કબીર..... કિચેન તો મસ્ત છે કોને આપ્યું? "

" શિવાની....."

પોતાનું નામ સાંભળતા જ શિવાની એકદમ ગભરાઈ ગઈ.
ત્યાં ફરીથી કબીર બોલ્યો....

"એતો શિવાનીનું છે મારા ટેબલ પર પડ્યું હતું...!"

" ના.... મારું નથી આ કિચેન..."

" પરંતુ નીલું તો તારું છે એમ કહી રહી હતી."

" હા એટલે મે એવું શિવાની પાસે જોયું હતું એટલે મને એવું લાગ્યું કે એનું હશે." એટલું બોલી નીલું શિવાનીને ઈશારો કરી સમજાવી દે છે કે આ તેનું કામ છે.

" હા એટલે મારું જ છે પણ તને ગમી ગયું હોય તો તું રાખી શકે છે કબીર."
" ઓહ એટલે તારું હાર્ટ હવે મારી પાસે રહેશે એમને શિવાની.."

અને કબીર ખડખડાટ હસી પડ્યો....

શિવાની માટે કબીરના આ શબ્દો મનને હરખવતા હતાં.

"મેડમ  યુ લાઈક ડિનર....?
"ઓહ..... નો થેંકયુ.."

શિવાની યાદોના સફરમાં પુરે પુરી તલ્લીન થઈ ગઈ હતી. એટલે જ તે ડિનર માટે તૈયાર ના થઈ ગઈ.

" શિવાની જોજે આજે કિચેન આપ્યું છે કાલે તારું હાર્ટ ના આપી દેતી મને."

કબીરની આ વાતે શિવાનીના રોમ રોમમાં ખુશી લાવી દીધી. તે કબીરની વાતને સાચું માનવા લાગી હતી કે તે પણ તેને પસંદ કરે છે. ધીમે ધીમે કબીર માટે શિવાનીનો પ્રેમ વધતો ગયો. સાથે કામ કરવાની સાથે સાથે શિવાની તેની વધારે નજીક આવતી ગઈ. તેને સમજવા માટે તે તેની ખુશી પસંદ બધું જ જાણવા લાગી. ઓફિસમાં લગભગ બધાને જાણ થઈ ગઈ હતી કે શિવાની કબીરની દીવાની છે. બસ પ્રોબ્લેમ એ જ હતો કે શિવાની કબીરની એટલું નજીક હોવા છતાં તે પોતાના પ્રેમની ઈઝહાર નહોતી કરી શકતી.

વેલેન્ટાઇન ડે નો દિવસ આવી ગયો. આખી ઓફિસ લાલ ગુલાબ અને લાલ રંગથી સજાવી હતી. શિવાની એ મનથી  નક્કી જ હતું કે આજે  તે ગમે તે હિસાબે પોતાના દિલની વાત કબીરને જણાવશે જ.  તે પણ  સુંદર તૈયાર થઈને પ્રેમનો ઈઝહાર કરવાનું મન બનાવીને આવી પહોંચી ઓફિસમાં.  કબીર પણ બ્લેક શર્ટ અને બ્લ્યુ જીન્સમાં એકદમ હેન્ડસમ લાગતો હતો. દરે પોતાના કામ પતાવી હોલમાં આવી પહોંચ્યા. શિવાની કબીરને વાત જ કરવાની હતી ત્યાં કંપનીના હેડ દ્વારા એક એલાઉન્સ કરવામાં આવ્યું.

"મિસ્ટર કબીર શાહ... જેની મહેનત અને કાબિલિયતથી આપની કંપનીને  ખૂબ જ સક્સેસ મળી છે. શિવાની પટેલ પણ આપની કંપનીના દરેક પ્રોજેક્ટ માં સક્સેસ હાંસલ કરી છે. જેથી આપણી કંપની એક નવા મુકામ પર આવી પહોંચી છે. મને જણાવતા આનંદ થાય છે કે કબીરને મુંબઈમાં આપણી હેડ ઓફિસમાં પ્રમોશન મળતું છે અને શિવાની પટેલને આપની અમદાવાદની કંપની માટે મેનેજિંગ ડિરેક્ટર તરીકે પસંદ કરવામાં આવ્યા છે."

શિવાની માટે કંપનીના હેડનું આ એલાઉંસ્મેન્ટ  ખુશીઓમાં વધારો કરવાની જગ્યા એ દુઃખી કરી દીધી. ક્યાં તેના સપના કબીરને દિલની વાત કરવાના હતાં અને ક્યાં આ પ્રમોશનની વાતે બંનેને દૂર કરી દીધાં. કબીરના ચહેરા પર આ વાતની ખુશી છલકાઈ રહી હતી. તેનું સપનું હતું મુંબઈ જઈ કામ કરવાનું, નામ કર બનાવવાનું જે સાકાર થઈ રહ્યું હતું. કબીર પણ શિવાની સાથે પોતાની ખુશી વહેંચીને શિવાનીને તેના પ્રમોશન માટે શુભેચ્છા પાઠવી.

"યાર શિવાની.... આજે સાચે મારું સપનું પૂરું થવા જઈ રહ્યું છે. મુંબઈના હેડ ઓફિકમાં હું કામ કરીશ મને તો હજી પણ સાચું નથી લાગતું. હવે તું પણ મેડમ શિવાની બની જઈશ યાર... કેટલો ખુશીનો દિવસ છે નહીં આજે આપના બંને માટે....!"

" હા કબીર.... સાચે આજે બહુ ખુશીનો દિવસ છે આપના માટે. પરંતુ આજે હું પણ તને એક વાત કહેવા માંગુ છું કબીર."

"હા બોલને શિવાની... શું કહેવા માંગે છે તું મને...?

" કબીર..... આઈ લવ યુ...."

"શિવાની.....અર યુ સિરિયસ....!"

"હા કબીર હું તને પ્રેમ કરું છું છેલ્લા કેટલાય દિવસથી તને આ વાત કરવાની કોશિશ કરતી હતી પરંતુ મારી હિંમત નહોતી ચાલતી. આજે જ્યારે મન બનાવી લીધું તને દિલની વાત કરવા માટે તો એક બીજાથી દૂર જવાની વારી આવી ગઈ."

"શિવાની તું મને .... પ્રેમ કરે છે ને તું આજે મને કહે છે જ્યારે હું મારા સપનાની બિલકુલ નજીક છું."

"કબીર દિલની વાત હું દિલમાં રાખીને હેરાન થવા નહોતી માંગતી એટલે જ છુપાવા કરતા તને કહી દેવાનું વધારે સારું સમજ્યું. પરંતુ મને એ પણ ખબર છે આ મોકો તારા માટે સૌથી વધારે મહત્વનો છે. એટલે તારી પર કોઈ દબાણ નથી મારા પ્રેમનું."

"શિવાની ....શિવાની તું અત્યાર સુધી ચૂપ કેમ રહી યાર....."

"કબીર પ્લીઝ તું મારી વાતને બહું ધ્યાન ન આપ બસ દિલની વાત કહી છે તું શું વિચારે એ નથી જાણવા માંગતી. બસ તું તારું સપનું પૂરું કર, આગળ વધે તું જીવનમાં એ જ હું ઈચ્છીશ."

"યાર શિવાની તું કેમ એટલી સારી છે..? તારા જેવી છોકરી મને કદાચ જ મળે જીવનમાં. હું તને જવા દેવા પણ નથી માંગતો."

"કબીર હું પણ તારી કમિયાબીમાં અડચણ બનવા નથી માંગતી. જો તું મારામાં ધ્યાન રાખીશ તો તારું સપનું પણ અધૂરું રહેશે. તું તારું સપનું પૂરું કર હું તો કાયમ તારી સાથે જ છું."


  પ્લેન કેનેડા એરપોર્ટ પર આવી પહોચ્યું. એરપોર્ટ પર દર્શન અને બાળકોને જોઈને શિવાની જલ્દીથી તેમની પાસે પહોંચી ગઈ. દર્શન અને બાળકોને મળીને તે રોકી રાખેલા આંસું આંખમાં જ છુપાવી દીધાં. પતિ દર્શન અને બાળકો સાથે પોતાના ઘરે આવી પહોંચી.

"શિવાની  કેવો રહ્યો તારો પ્રોજેક્ટ... અને આપણું અમદાવાદ કેવું છે બદલાયું કે નહીં...?"
"દર્શન... એરપોર્ટ આવતા મારી ગાડી એ ઓફિસ પાસે ટ્રાફીકમાં ફસાઈ હતી. જ્યાં મારી જિંદગીના લેખ લખાય હતાં."

"શિવાની ફરીથી એ વાતને યાદ ન કર જે તને તકલીફ આપે. હું એટલે જ તને અમદાવાદ જવાની ના પાડતો હતો. કે એ વાત તને હેરાન કરશે."

" દર્શન ક્યાં સુધી હું એ વાતથી ભાગતી રહીશ. મારે ક્યારેક તો મારા આત્માને મનાવવી પડશેને કે પ્રેમના નામે કોઈકે મારી સાથે એક રાતનો સોદો કર્યો હતો."

"શિવાની ભૂલી જા હવે અહીઁ આવી ગઈ છે તું. તારા બાળકો પાસે, હવે કડવી વાસ્તવિકતા ભૂલી જા."

"દર્શન હવે તો ભૂલવી જ પડશે મારે એ સચ્ચાઈને. કબીરના મારા માટેના એક રાતના પ્રેમને. જેની લાગણીવશ થઈ હું મારી જાતને સોંપી દીધી હતી. પરંતુ હું ક્યાં જાણતી હતી કે સક્સેસ કબીરને એટલો આંધળો બનાવી દેશે કે પોતાના બાળકને પણ ન અપનાવી શક્યો. ઉપરથી મારા ને તારા સંબંધ પર ડાઘ લગાવી હમેશા માટે જતો રહ્યો."

"શિવાની જે થયું એ થયું..... હવે તું ભૂલી જા બધી વાતને."

"હા દર્શન..! બધું ભૂલી જઈશ, પરંતુ હું એ નઈ ભૂલું કે કબીરના બાળકને તે પિતાનું નામ આપ્યું છે..! આપણાં સંબંધને નામ આપીને તે મારી ઈજ્જત દુનિયાની સામે રાખી છે. હું એ પણ નઈ ભૂલું કે તારો એક તરફી પ્રેમ હજી પણ તારા દિલમાં મારે માટે ક્યાંક છૂપાયેલો છે."

"શિવાની તને કેવી રીતે ખબર કે હું તને પ્રેમ કરું છું?"

"દર્શન તું ભલે છેલ્લા પાંચ વરસથી મારાથી છુપાવી રાખ્યું પરંતુ ઇન્ડિયામાં હું નીલુને મળી હતી. તેણે તારા દિલની વાત મને કહી હતી કે એ વેલેન્ટાઇન ના દિવસે તું મને પ્રપોઝ કરવાનો હતો અને એ વાત તે નીલુએ કહી હતી. પરંતુ નીલુએ તને મારા વિશે બધી વાત કરી કે હું કબીરને બહુ પસંદ કરું છું એટલે તે મને બિલકુલ જાણ ન થવા દીધું કે તું મને પ્રેમ કરે છે."

"એતો મને તારી ખુશી વધારે મહત્વની હતી શિવાની એટલે હું મારી જાતને રોકીને દૂર ખસી ગયો હતો."

" દર્શન..... આઈ એમ સોરી.....મારા લીધે તે પણ તારી જિંદગીના પાંચ વરસ બગડ્યા છે. આજે સાચા અર્થમાં મારા દિલમાં તું વસી ગયો છે. બસ મને માફ કરી દે તું."

"બસ શિવાની... હવે કાઈ ના બોલતી. ભૂલી જા એ બધી વાતોને નવી જિંદગીની શરૂઆત કરીએ આપણે. મારો ઓફિસનો અધૂરો પ્રેમ ફરી જીવંત કરીએ"

- બિંદી પંચાલ "બિંદીયા"
વડોદરા
"વાતો લાગણીની....."


© બિંદીયા