...

7 views

જડ છતાં જીવંત



ખૂણાંમાં મૂકી રાખ્યું છે મને કારણ કે ઉંમર

થઈ જવાને લીધે મારો વપરાશ હવે શક્ય

નથી. યુવાનીમાં બહુ સાથ આપ્યો છે મે

મારા ઘરના દરેક સભ્યનો. દરેકનો બોજો

ઉઠાવ્યો છે મેં મારા પર. દરેક સભ્યને

પોતાની મનગમતી વસ્તુ અપાવામાં મદદ કરી છે

ને આજે જ્યારે હું વૃધ્ધ થઈ ગયો છું ત્યારે

પડી રહ્યો છું ઘરના એક અંધારા ખૂણાંમાં.

જ્યાં ફ્કત મારું સાથીદાર અંધારું છે.

આજે હું તમને મારી વ્યથા મારા શબ્દોમાં

કહીશ. આજથી 20વષઁ પહેલાં મને આ

ઘરનાં એક નવા સભ્ય બનવાનું બહુમાન

મળ્યું હતું. ને હું એ જ દિવસથી આ ઘરમાં

દરેકનું માનીતું બની ગયું હતું.

મારા આ નવા ઘરમાં મારા પ્રેમાળ લીલાબા

મારા દાદાજી શાંતિલાલ શાહ. એમના

સુપુત્ર કશ્યપભાઈ ને મારા કલગીબેન રહે

છે. ને હું પણ હો... હું પણ આ સુંદર

મજાનાં ઘરનો સભ્ય છું. મારા પ્રેમાળ

લીલાબાનો ટેકો લેવા માટેનો હું મદદગાર

છું. શાંતિલાલદાદા ના ચ્હાનો કપ ને છાપું

મૂકવાનો હું આશરો છું. કશ્યપભાઈની

દાઢી બનાવતી વેળાનો એમના સરસામાન

મૂકવાનો હું ભાગીદાર છું. ને મારી વહાલી

કલગીબેન ને રસોડામાં બેસીને રસોઈમાં

ફાવટતા આવે એનું ધ્યાન રાખનાર એમનો

જોડીદાર છું.

કલગીબેન ને કશ્યપભાઈની દિકરી યાંશીને

પણ બાલ્કનીમાંથી દુનિયા દેખાડનાર હું

ભેરુબંધ છું

બહુ વરસો આ ઘરના દરેક સભ્યને મેં

મારાથી બનતી મદદ કરી છે. બહુ ઊતાર

ચઢાવ જોયા છે. પોતાની જાત પર ઈચ્છા

અનિચ્છા એ નિત નવા રંગરોગાન જોયા છે.

બહુ વરસો સુધી આ ઘરનાં દરેક સભ્યનો

સાથીદાર બનીને રહ્યો છું. મારી મજબૂતાઈ

ટકાવી રાખવા માટે મારા શરીર પર

ઠોકવામાં આવતાં દરેક ખીલાઓનો માર

પ્રેમથી હસતા મોઢે મેં સ્વીકાયોઁ છે.

અને હા તમને મારું જન્મસ્થળ કહેવાનું તો

જ રહી ગયું. કલગીબેનના પપ્પાએ એમના

જાણકાર એવા એક મિસ્ત્રી પાસે સારામાં

સારી ઉચ્ચકોટિના લાકડામાંથી મને

બનાવડાવ્યું હતું અને મારા સજઁન થયા

પછી મને કલગીબેનના લગ્નના કરિયાવરમાં

મારા બીજા ફનિઁચરસાથીઓ સાથે અહીં

તેમના સાસરે વળાવ્યું હતું.

બસ ત્યારથી હું આ ઘરનું એક સભ્ય

બનીને રહું છું. મારા આ ઘરમાં દરેક

તહેવારની ઊજવણીમાં હું સહભાગી

બન્યો છું. આમ તો હું તંદુરસ્ત જ કહેવાઉં.

પણ ઉંમર ક્યાં કોઈની સગી થાય છે કે

મારી થશે. એક દિવસ કશ્યપભાઈને વષોઁ

જુના કોઈ બહુ અગત્યના દસ્તાવેજ

ઊપરથી ઉતારવાના હતા. તો એમને મારી

મદદ લેવાનું વિચાયુઁ અને આપણે પણ

મદદ કરવાને ખડેપગે તૈયાર થઈ ગયા.

કશ્યપભાઈ મારા સહારે ઉપર માળિયેથી

પોતાના દસ્તાવેજ ઉતારવામાં સફળ

રહ્યા પરંતુ વૃધ્ધાવસ્થાને લીધે મારું આયખું

ક્ષીણ થઈ જવાથી વધારે વજનથી તૂટી

પડ્યું ને મારો એક પાયો પોતાના મૂળ

સ્થાનેથી અલગ થઈ ગયો ને હું અપંગ થઈ

ગયો હું અપંગ થઈ ગયો એના કરતાં વધારે

મારો પાયો તૂટી જવાથી કશ્યપભાઈ પડી

ગયા એનું દુઃખ વધારે મને થયું ને આટલા

વષોઁ આ ઘરમાં બધાની સેવા કયાઁ પછી

જતાં જતાં મારાથી જે થોડીક તકલીફ પડી

એનું મને થોડુંક માઠું લાગ્યું પરંતુ મારા

આખરી સમયમાં હું તેમના કામમાં આવ્યો

એની થોડીક ખુશી પણ થઈ. મારો પાયો

હવે તૂટી જવાથી હું હવે કોઈ કામનો રહ્યો

પણ નથી ને મારી ઉંમર થઈ જવાને લીધે

મારું સમારકામ શક્ય પણ નથી. જેમ

મનુષ્યને પણ વૃધ્ધાવસ્થામાં રોગનો

ઈલાજ શક્ય ના હોય તો ફ્કત કાળજી

રાખવામાં આવે છે તેમ આ ઘરના એક

ખૂણામાં મને કાળજીપૂવૅક મૂકવામાં આવ્યો

છે હા, ત્યાં થોડુંક અંધારું રહે છે પણ

અંધારું તો કોના જીવનમાં ના હોય ?

મિત્રો, તમને પણ થતું હશે ને કે પોતાના

પરિવારની ને પોતાના જન્મથી માંડીને મૃત્યુ

સુધીની ગાથા કહેનાર આ કોણ હશે ?

તો મિત્રો તમને હું જણાવી દઉં. હું આ

ઘરમાં એક 'ટેબલ'ના નામે જાણીતું સભ્ય

છું....ના ના જાણીતું હતું.

પણ હવે આ અંધકારવાળા સ્ટોરરૂમનો હું

સભ્ય છું. પોતાના જીવનની આખરી

પળોને ગણતાં ગણતાં સુખદ ભૂતકાળને

વાગોળતાં વાગોળતાં અહીં સમય સાથે

દોસ્તી નિભાવું છું.

તમને થતું હશે ને કે 'ટેબલ' જેવી નિજીઁવ

વસ્તુ તો કંઈવળી લાગણીશીલ હોતી

હશે ? તો તમને જણાવી દઉં કે ઉત્પતિ

જેની થાય જીવંત એ પણ કહેવાય છે

પછી ભલે એ લાકડાનું બનેલું એક

'ટેબલ'હોય કે ઘરનું કોઈ સ્વજન.

હું થોડુંક વધારે લાગણીશીલ છું કદાચ

એટલે જ આજે આ આત્મકથા લખાઈ

છે. ને છેલ્લે એક વાત ખાસ કહીશ કે હું

બિસ્માર હાલતમાં છું પણ જીવંત એટલે

જ છું કેમકે મારું સજઁન એક પિતાએ

કરાવ્યું હતું ને પોતાની દીકરીને મને સોપ્યું

હતું. હવે મિત્રો તમે જ સમજી જાઓ કે

એક દીકરી માટે પોતાના પિતાની આપેલ

વસ્તુનું મૂલ્ય કેટલું હશે?

નિકેતા'પહેલી'