...

19 views

ક્ષણિક હૂંફ
ક્ષણિક હૂંફ'ટૂંકી વાતાઁ'

અનામિકા પોતાના ભત્રીજાના લગ્ન સમારંભમાં પતિ અને દીકરી સાથે સજીધજીને પોતાના ભાઈના ઘરે પહોંચે છે. રંગબેરંગી લાઈટોથી તેનું પિયર સજાવેલું છે. મહેમાનોની અવરજવર ચાલુ હોવાની સાથે સાથે આગતાસ્વાગતા પણ થઈ રહી છે. ભોજનની સુગંધ ઘરની બહારના મેઈનગેટ સુધી આવીને લલચાવી રહી છે. પરફ્યુમની ખુશ્બુ ને તાજા ફુલોની મહેકથી આખું વાતાવરણ મહેકીં રહ્યું હોય છે.
આંગણામાં પ્રવેશતાની સાથે જ મહેમાનોનો મેળાવડો તેની નજરમાં આવે છે. પરંતુ તેને ખૂબ મોડું થઈ ગયું હોવાથી તે કોઈને પણ મળ્યા વગર ઘરની અંદર જવાને ઉતાવળ કરે છે. અનામિકા ઉતાવળે ઘરમાં પ્રવેશ કરે છે ત્યારે ઘરનાં ખૂણાંમાં પડેલ એક આરામખુરશી પર એની નજર પડે છે જ્યાં તેને તેના પપ્પા બેઠેલા દેખાય છે. પપ્પાને જોતાં જ અનામિકા નાની બાળકીની જેમ ધ્રુસકે ને ધ્રુસકે રડી પડે છે જાણે કોઈ નાની બાળકી કોઈ પોતાની ફેવરિટ વસ્તુને જોઈને ખુશ થઈ જાય એમ અનામિકા ખુશ થઈ જાય છે. ખુશીના આંસૂઓ સાથે અનામિકા પોતાના પપ્પાના ચહેરા પર હાથ ફેરવે છે જાણે એમને સ્પઁશીને મહેસૂસ કરતી હોય એમનાં હાથને અનામિકા પોતાનાં હાથમાં લઈ નાના બાળકની જેમ પંપાળવા લાગે છે ને પોતાના પપ્પાની હૂંફનો કોમળ અહેસાસ કરે છે. પીઠ પર વ્હાલથી હાથ ફેરવે છે ને પૂછે છે તમે કેમ છો ? ને ક્યાં ચાલ્યાં ગયાં હતાં આટલા સમયથી,તમે અમને છોડીને કેમ ગયાં હતાં. તમને તમારી આ દીકરી પણ યાદ ના આવી. એમ કહેતાંની સાથે જ નાના બાળકની જેમ પોતાના પપ્પાને વળગીને ખૂબ રડે છે. અનામિકા પોતાના પપ્પાને કહે છે તેમના ગયા પછી તેમના વગર તેની શું હાલત હતી ને એમ પણ કહે છે કે પિતાની ખોટ એક દીકરીને પડે એવી કદાચ આ દુનિયામાં કોઈને ના પડે.
અનામિકા ઘણું બધું બોલી ગયા પછી થોડીક શાંત થતાં તેના પપ્પા તેના પ્રશ્નનો જવાબ આપતાં કહે છે મને પણ નથી ખબર હું ક્યાં ગયો હતો,કેવી રીતે ગયો હતો. આ તો બસ અચાનક ઘર યાદ આવ્યું તમે બધા યાદ આવ્યાં તો આવી ગયો.
આ સાંભળતાં જ અનામિકા ફરીથી રડવા લાગે છે ને અચાનક ઊંઘમાંથી ઉઠી જાય છે ને આજુબાજુમાં જુએ છે તો કોઈ જ ન હતું..
ના તેના પપ્પા..
ના કોઈ પ્રસંગ..
ના કોઈ ભોજનની મિજબાની..
ના કોઈ મહેમાનોનો મેળાવડો..
ના કોઈ રંગબેરંગી લાઈટનું ડેકોરેશન..
કંઈ જ નહી.
બસ હતો આછા પ્રકાશથી ભરેલો એક રૂમ જ્યાં અનામિકા પોતાની દીકરી સાથે મધ્યાહ્નની મીંઠી નિંદર માણી રહી હતી.અને હતું તો તેને જોયેલું આ એક દિવાસ્વપ્ન.
જેમાં વષોઁ પહેલાં સ્વગઁવાસી થયેલ તેનાં પપ્પાને આજે તેણે ફરીથી મહેસૂસ કયાઁ હતાં ને મળ્યાંનો આનંદ ને ગુમાવ્યાનું દુઃખ બંને અનુભવ્યાં હતાં.
અને છેલ્લે અનામિકા પોતે જોયેલાં સ્વપ્નને યાદ કરતાં કરતાં આંખમા આંસૂઓ સાથે બે પંક્તિ ગણ ગણે છે

ચિઠ્ઠી ના કોઈ સંદેશ
જાને વો કોન સા દેશ
જહાઁ તુમ ચલે ગયે
જહાઁ તુમ ચલે ગયે

નિકેતા'પહેલી'
13.2.2020