...

6 views

Parenthood
અણગમતું પણ એની ખાતર

ક્યારેક ગમતું કરવાનું.

હથિયાર વગર સંતાનો પાસે

રોજ સિકંદર બનવાનું.

*ખૂબજ અઘરું લાગે સાલું*
*માં-બાપ થઈને ફરવાનું.*

જીવન આખું દરીયો છે,

તોફાન ભલેને આવે,

બહાદુર છે એ જ ખરાં જે

એમાં નાવ ચલાવે

આવી હિંમત દીકરાને દઈ

ખુદ અંદરથી ડરવાનું.

*ખૂબજ અઘરું લાગે સાલું*
*માં-બાપ થઈને ફરવાનું.*

સાત નહીં સત્તાવીસ કોઠા

પણ હું જીતી જાણું,

હાર્યો જ્યારે આવ્યું ટાણું

દીકરીના સગપણનુ.

દિલમાં અનરાધાર વરસે,

ને ઉપરથી હસવાનું

*ખૂબજ અઘરું લાગે સાલું*
*માં -બાપ થઈને ફરવાનું.*

નવી નવેલી વાતો એની

આપણને ના ફાવે,

રીત રીવાજો જુનાં જુનાં

એ પણ ના અપનાવે,

ત્યારે એવું લાગે જાણે

સામા વહેણે તરવાનું.

*ખૂબજ અઘરું લાગે સાલું*
*માં-બાપ થઈને ફરવાનું.*

-શ્યામલ મુનશી.