...

3 views

કોરોના ડૉટ કૉમ -પ્રકરણ -9
' ઓ... મા... ' નૈનાએ દુઃખભર્યા અવાજે ચીસ પાડી.
'શું થયું... ? શું થયું બેટા... ? ' નૈનાની મા રસોડામાં દોડતી આવી નૈનાને પૂછ્યું.
'નહીં મા... કશુ નહીં... બસ જરીક દાઝી ગઈ.. '
'ક્યાં... ? બતાવ... હે ભગવાન... !સાવ બેદરકાર છોકરી છે આ...જરાયે પોતાનું ધ્યાન નથી રાખતી...'
'અરે મા... ટેંશન ના લે... સારું થઇ જશે.. બસ જરાક જ... '
'શું જરાક જ... હાથ લાવ જોવ... 'કહી નૈના નો હાથ પોતાના હાથમા લઇ ફૂંક મારવા લાગી.
નૈના ફૂંક મારતી માને એકીટસે જોઈ રહી...વિચારી રહી 'કાશ મા હૈયે વાગેલા ઘા પણ આમ ફૂંક મારીને તું દૂર કરી દેત તો કેવું સારું હોત... પણ મા એ ઘા તો હું તમને બતાવી પણ નથી સકતી. માના ગળે વળગીને રડવાનું મન થઇ આવ્યું પણ એ તેવું કરી શકે તેમ નહોતી. મનને કઢણ કરી એ બોલી...
' મા હવે બહાર જવાની છૂટછાટ મળી છે, હું એમ વિચારતી હતી કે હું ઘરે જઈ આવું..., થોડા કપડાં પણ લાવવાના છે તો એ પણ લેતી આવું... '
'ઠીક બેટા તું જઈ આવ... હું તો કહું ત્યાં જ રહે પણ તું અને જમાઈ માનતા નથી. હવે હું ઠીક થઇ ગઈ છું બેટા, તું ત્યાં આરામથી રહે... '
'ના ના મા, હું પછી આવી જઈશ, અને બીજી કોઈ પણ ચિંતા તમે ન કરો હું હમણાં ગઈ ને હમણાં આવી... ' કહી નૈના ઘરે જવા માટે તૈયારી કરવા લાગી...
રોડ પર હવે ધીરે ધીરે ચહલ-પહલ વધવા લાગી હતી. શરૂઆતી લોકડાઉન માહોલ મા સાવ સૂના થયેલા રોડ ધીરે ધીરે ફરી ધમ-ધમવા લાગ્યાં હતા. લોકડાઉન સાથે અનલોક ની પ્રક્રિયા શરુ થતા લોકોની જિંદગીની ગાડી પણ ધીરે ધીરે પાટા પર આવવા પા પા પગલી ભરી રહી હતી... પણ નૈનાની જિંદગી જ ક્યાંક ખોવાતી જતી હતી... ઓફિસ નીચે જોયેલું દ્રશ્ય આંખોથી હટવાનું નામ નહોતું લેતું. પણ એ કોઈ નતીજા પર પહોંચે કે નિર્ણય લે એ પહેલા અવિ સાથે એક વખત વાત કરવા માંગતી હતી. એવું નહોતું કે નૈનાએ અવિને કોલ ન કર્યા. ઘણી વખત ફોન કરી જોયો પણ અવિનો નંબર સ્વિચઓફ આવતો હતો. તેથી નૈનાએ અવિ સાથે ઘરે જઈને વાત કરવાનું નક્કી કર્યું.
લોકડાઉન બાદ ઘણા દિવસ પછી એ પોતાના ઘરે જઈ રહી હતી. ઘર તરફ જતા રસ્તા આજે એને ખુબ લાંબા લાગ્યાં. આ એજ રસ્તાઓ છે જે સાવ પોતીકા હતા. અવિ સાથે જયારે જતી ત્યારે ઘણીવાર ટ્રાફિક નડતું છતાં ક્યારે ઘરે પહોંચી જતા એય ખબર ના પડતી... પણ આજે તો ટ્રાફિક પણ નહોતું છતાં જલ્દી પહોંચવાને બદલે જાણે દૂર હડસેલાતી જતી હોય એવું મહેસુસ થયું... સાવ પોતીકા રસ્તાએ અજાણ્યા હોવાનો ડોળ કરવા લાગ્યા...હંમેશા વાતો કરતા રસ્તાની આસપાસનાં ઝાડો ને ઘરો ને સ્ટ્રીટ લાઈટો બધાએ મોં ફેરવી લીધું... અવાચકની જેમ નબોલા જ રહ્યા. નૈનાને ચીસો પાડી પાડીને બધાને બોલાવવાનું મન થયું પણ એના રૂંધાયેલા ગળામાંથી અવાજ બહાર આવ્યો જ નહીં...શબ્દો અંદર જ ગુંગળાતા રહ્યા...
ચાર રસ્તા પાસે ગાડી આવતા ગાડીની રફ્તાર ધીમી થઇ. નૈનાએ જોયું તો આગળ જતી એક ગાડી પાછળ એક સ્ત્રી દોડી રહી હતી. ઉભા રહો ના ઇસારા કરી રહી હતી પણ ચારરસ્તા ક્રોસ કરતા એ ગાડી પૂરઝડપે દોડી ગઈ... એ સ્ત્રી માંડ માંડ પડતા બચી...નૈનાની ગાડી પણ એ રોકવા લાગી. નૈનાએ ગાડી સાઈટ પર લઇ રોકી તો એ દોડતી દોડતી આવી. હાથ જોડી રડતા રડતા કહેવા લાગી...' બહેન મદદ કરો... મદદ કરો... મારા બાળકોએ ગઈકાલથી કશું ખાધું નથી... હમણાં મારી પાસે કોઈ નોકરી નથી, બહેન ન છૂટકે મારે મારા બાળકો માટે ભીખ માંગવી પડે છે...કલાક થી મદદ માંગુ છું કોઈ ઉભુંય ન રહ્યું બહેન મદદ કરો... '
'શાંત થા બહેન... લે પાણી પી પહેલા ' કહી પાણીની બોટલ નૈનાએ એ સ્ત્રીને આપી...
પેલી સ્ત્રી એકજ ઘૂંટડે બધું પાણી પી ગઈ. ને આશા ભરી નજરે નૈના તરફ જોવા લાગી.
' પરીવારમા બીજું કોઈ નથી ?' નૈનાએ પૂછ્યું.
' બહેન મદદ કરો... આ બધું ન પૂછો ' હાથ જોડતા એ બોલી.
'મદદ કરીશ પણ જે પૂછું એ સાચું કહે તો જ... '
'બહેન હાથ જોડું છું, ન પૂછો... 'એ કરગરવા લાગી.
'ઓકે ઓકે ન પૂછું બસ... પણ તું મને બહેન બહેન કહે છે, આ તારી બહેન માનીને તો કહે મને, બની શકે હું તારા માટે કંઈક કરી શકું... '
'હા બહેન ' એના આંસુ છલકાયા.
'ઘરમાં કમાવા વાળું બીજું કોઈ નથી ?' નૈના એ ફરી પૂછ્યું.
'ના બહેન મારા બાળકોનું મારા સિવાય કોઈ નથી... '
'બાળકોના દાદા, દાદી પરીવાર બાળકોના પિતા... કોઈ તો હશે... ?' આશ્ચર્યથી નૈનાએ પૂછ્યું.
' ના બહેન કોઈ નથી... પ્રેમ લગ્ન કર્યા તેથી મારા સાસુ સસરાએ ઘરમાં રાખ્યા નહીં... અને મારા ઘર પરીવાર જેના માટે છોડી હું ભાગી નીકળી એ નાલાયક મને અને બાળકોને રઝળતા છોડી ભાગી ગયો... '
'ઓહ... ' નૈના માંડ માંડ બોલી...
' બહેન કોરોનાના કારણે ક્યાંય કામ નથી ઘરનું અનાજ કાલે ખૂટી ગયું... પૈસા નથી... બાળકોએ કાલથી ખાધું નથી... ' કહેતાં એ રડી પડી...
' શાંત થા બહેન ચિંતા ન કર... હું મદદ કરીશ... 'કહી નજીકની દુકાન પર લઇ જઈ નૈનાએ રાસન અપાવ્યું...
' ઓકે બહેન તું હવે બિલકુલ ચિંતા ન કર લે આ મારુ કાર્ડ... 2 દિવસ પછી ફોન કરજે હું તારા માટે કામની વ્યવસ્થા કરું છું.'

કહી તે ઘર તરફ આગળ વધવા લાગી...ચારરસ્તા તો એ પાછળ છોડી આવી... પણ પેલી સ્ત્રીની વાતો પીછો છોડતી નહોતી... આસું ભરેલી આંખોમાં ડોકિયાં કરતા અનેક અણકહ્યા સવાલો અને અણસહ્યા દુઃખો નૈનાની પારખું નજર થી છુપા રહ્યા નહોતા.એની વાતો નૈનાના કાનોમાં ગુંજતી રહી...એક પળ તો નૈનાને લાગ્યું પછી જઈ એ સ્ત્રીને મળીને પૂછે કે બહેન તે આટલું દુઃખ કેવી રીતે સહન કર્યું ? ક્યાંથી લાવી આટલું મજબૂત હૃદય... ? વિચારોનું વંટોળ એને વધુ ઘેરે એ પહેલા જ અચાનક ગાડી બંધ પડી ગઈ... બહુ કોશિશ કરી પણ ચાલુ ન થઇ...
ઘર વધુ દૂર ન હતું... પહોંચવાની જ હતી ને ગાડી બગડી... આખરે કંટાળી એણે મેકેનિકને ફોન કર્યો... ઘર નજીક જ મીકેનીક હતો તેથી દસ મીનીટ મા પહોંચી ગયો.
' ભાઈ ગાડી બનાવી ઘરે પહોંચાડી દે, હું જાઉં છું... '
'મેમ કહો તો તમને મારી બાઈક પર ઘરે છોડી દઉ પહેલા, પછી ગાડી બનવું. '
' ના ભાઈ, ગાડી બનાવી દે પહેલા, હું ચાલતી જ ચાલી જઈશ, અને ક્યાં દૂર છે 10 મીનીટ મા પહોંચી જઈશ. '
' ભલે મેડમ ' મિકેનિક ગાડી બનાવવા લાગ્યો.
નૈના ચાલવા લાગી, ત્યાં જ એક ઓટો પસાર થઇ. પણ નૈના એમાં ન બેસતાં ચાલતા જ ઘર તરફ આગળ વધવા લાગી. અહીં સુધી તો પહેલા અવિ અને એ વૉકિંગ માટે રોજ આવતા...અવિ સાથે ની યાદો તાજા થતાની સાથે જ ઓફિસ નીચેનું દ્રશ્ય ફરી આંખો સામે તરવર્યું અને એની આંખો ભીની કરી ગયું... એક એક ડગલું આગળ વધતા શરીરમા જાણે પ્રાણ જ નથી એવું મહેસુસ થવા લાગ્યું. અનેક સવાલો મનમાં ઉદભવતા ગયા... જેમ જેમ ઘર તરફ વધતી ગઈ સવાલો પણ વધતા ગયા...
આખરે ઘરે પહોંચી ગઈ...
પણ આ શું ?
દરવાજા પર તાળું ?
* * *
© Jigi7