...

0 views

અનિતા - રંજન કુમાર દેસાઈ
મેકર ભવનની સામે પડતી અડધી ગલી તેણે માંડ વટાવી હશે. તે જ વખતે શેઠના દિલ તોડ શબ્દો શેખરના કાનમાં ગુંજી ઉઠે છે. હદયમાં ઉપડેલા દર્દ ને મિટાવી દેવાની કોશિશ માં તેના હોઠ ગીતનો આશરો શોધે છે.

દર્દ હમારા કોઈ ન જાને
અપની ગરજ કે સભી હૈ દિવાને..

ગીત આગળ વધે તે પહેલાં જ એક વ્યથાથી ઉભરાતો આક્રોશ શેખરના કર્ણપટ ને ભેદી જાય છે.. અને ગીત ટેઇપ તૂટતાં થંભી જાય છે.

" કુછ ખિલાઓ ભૂખે કો, દો દિન સે કુછ ભી નહીં ખાયા. "

એક નારીનું રૂદન શેખરના સંવેદનશીલ માનસ ને કચડી નાખે છે. વિચારોની ધારા એકાએક થંભી જાય છે. દ્રશ્ય જોઈ તેણે ઊંડો આંચકો લાગે છે..

લઘરવઘર નારી હાથ ફેલાવી આવતા જતા માણસો સમક્ષ કાકલૂદી કરી ભીખ માંગી રહી હતી. જગતની વિકૃતિ નિહાળી શેખરની આંખો પલળી જાય છે. પેટ ની ભૂખે વ્યાકુળ તે નારી આહ ભરી રહી હતી.

નાનકડું બાળક માતાની છાતી ને પોતાના કોમળ હાથો વડે ફંફોસી પોતાની ભૂખની ફરિયાદ કરી રહ્યું હતું. તેની ઉઘાડી છાતીને આવતાં જતાં લોકોની લોલુપ આંખો ઘૂરી રહી હતી.

તેની હાલત નિહાળી શેખરે તેના ગજવામાં હાથ નાખ્યો અને જે પરચુરણ હાથ લાગ્યું તે ભિખારણ ના હાથમાં થમાવી દીધું.

તેની નજર એક પળ માટે તે નારી પર સ્થિર થઈ અને તે ચોંકી ઉઠ્યો. તે નારી પરિચિત હોવાનો તેને ભાસ થયો. શું તે જ...?

કદાચ આ તેનો ભ્રમ હોઈ શકે. ચહેરાની સામ્યતા ભૂલભુલામણી ખડી કરી રહી હતી. શેખર ક્ષણ ભર નિ :શબ્દ બની જાય છે.. તેના લંબાયેલા હાથમા પરચુરણ હજી અકબંધ હતું. તે નારીની દર્દનાક હાલત નિહાળી શેખર અત્યંત ભાવુક બની જાય છે. તેના મુખે થી શબ્દ સરી પડે છે.

" કોણ અનિતા? "

શેખરના મોઢે પોતાનું નામ સાંભળી તે નારી મોઢું ઊંચું કરી તેના ભણી નજર કરે છે. અને બીજી જ ક્ષણે પોતાનું મસ્તક છુપાવી હિબકે ચઢે છે.

તે અનિતા જ હતી. તે વિશે શેખર ને કોઈ શંકા નહોતી રહી. તેના ભૂંડા હાલ નિહાળી શેખરનું આંતરમન હચમચી ગયું. એક સીધી, સાદી, ઈમાનદાર તેમ જ પ્રેમાળ નારીનું આવું અધ: પતન
શેખર ઝીરવી ન શક્યો.

તે અનિતા ને શાંત કરવાની કોશિશ કરે છે.. તે કાંઈ કહેવાનો પ્રયાસ કરે છે. તે જ વખતે બે અજાણ્યા શખ્સ બાજુમાં આવી ને ઉભા રહી જાય છે. આ સ્થિતિ માં શેખર મૌન ધારણ કરે છે.

થોડી વારે તે માણસો આઘા પાછા થઈ જાય છે. અને શેખર તેને ઈશારો કરી પોતાની પાછળ આવવાનું કહે છે.

અને ચર્ચ ગેટ સ્ટેશન વટાવી બ્રેબોર્ન સ્ટેડિયમ ભણી આગળ વધે છે. અને અનિતા તેનાથી ચાર પગલાં દૂર ચાલવા લાગે છે.

ક્યાં બેસવું? તે બાબત શેખર દ્વિઘા અનુભવે છે.

તે કાંઈ વિચાર કરે તે પહેલાં અનિતાનો અતીત તેને સાંભરી આવે છે.

તે એકાદ વર્ષ પહેલાં અનિતા ને કમાટી પુરાની ચેમ્બર નંબર 706માં મળ્યો હતો. તે આમ તો વ્યવસાયે એક પત્રકાર હતો. સમાજ સુધારણાની ઝૂમ્બેશ ચલાવતો હતો. છતાં દૈહિક ભૂખ ક્યારેક તેને આ વિસ્તારમાં ઘસડી લાવતી હતી.

અનિતા એક દેહ જીવિની હતી. દેહનો વેપલો કરતી હતી!! છતાં તે અલગ હતી. જેને લઇને શેખર તેના ભણી આકર્ષાયો હતો.

પહેલી જ મુલાકાતમાં શેખરના હૈયે લાગણીના તાંતણા ગુંથાયા હતા. તેને જોઈને શેખર ને એક સ્ત્રી સાપ્તાહિકમાં છપાયેલા લેખની સ્મૃતિ થઈ આવી હતી.

નારી સૃષ્ટિની અનુપમ ભેટ છે. તેની જીભે મીઠાશ નો વાસ છે. અનિતાના હૈયે લાગણીનો ભરપૂર ખજાનો ભર્યો પડ્યો હતો. તેના પવિત્ર દેહમાં સંસ્કારી આત્માનો વાસ હતો.

તેનામાં એક આર્ય નારીના બધા જ ગુણો મોજુદ હતા.. આ જ કારણે શેખર તેના ભણી ખેંચાયો હતો.

પહેલી મુલાકાતમાં અનિતા એ એક પત્ર તેના હાથમા મૂકી વિનંતી કરી હતી.

" જરા વાંચો ને. આ માં શું લખ્યું છે? મને વાંચતા નથી આવડતું."

શેખરે પત્ર હાથમા લઈ સહેજ સવાલ કર્યો હતો.

" આ અમર કોણ છે? "

" મારો એક ચાહક છે. મને ખુબ જ પ્રેમ કરે છે. મારી સાથે લગ્ન કરવા તૈયાર છે!! "

તેની વાત સાંભળી શેખરે વધારે કાંઈ પૂછવું મુનાસીબ ન લેખ્યું. તેણે ચૂપચાપ પત્ર વાંચી સંભળાવ્યો.

પત્ર નું લખાણ સાંભળી અનિતા ના ગાલે શરમના શેરડા પડ્યા.

પ્રથમ મુલાકાતમાં શેખર તેની સાથે વિશેષ વાત કરી શક્યો નહોતો. પણ તેને અનિતા વિશે બધું જ જાણવાની તલપ જાગી.

વેશ્યા વિશે એક માન્યતા પ્રવર્તતી હતી. તેઓ બિલ્કુલ વ્યવસાયી, મિકેનિકલ હોય છે. પૈસા લઈને ઘરાક ને સંપૂર્ણ સંતોષ આપતી નથી. લીધેલા પૈસાનું પૂરતું વળતર ચૂકવતી નથી.

પણ અનિતા અલગ માટીની હતી. તે પોતાના વ્યવસાય પ્રતિ પુર્ણત: વફાદાર હતી.. તેથી ત્યાં જનારા લોકોની તે ફેવરિટ બની ગઈ હતી. તેની સાથે બેસવા, સમય ગુજારવા ઘરાકો કલાક બે કલાક નો ઇંતેજાર સહી લેતા હતા.

અનિતા માં એક મિત્ર બનવાના બધા જ સદગુણો સમાયેલા હતા. કોઈ ની બહેન કે પત્ની બનવાના સઘળા ગુણો મોજુદ હતા. આ વાત નો તેને પરચો મળી ગયો હતો. એક મિત્રના નાતે તેણે અનિતા ને અરજ કરી હતી.

" અનિતા! એક મિત્ર ના નાતે હું તને આ માહોલ ની બહાર મળવા માંગુ છું!! "

તેણે તરતજ શેખર ના સૂચન ને વધાવી લઇ વાયદો પણ કર્યો હતો.

"હું આવતી કાલે અગિયાર વાગે તમને મરાઠા મંદિર થિયેટર પાસે મળીશ. "

અનિતા તેને મળવા આવવાની હતી. આ વાત થી શેખર હરખઘેલો બની ગયો હતો. ઉન્માદમાં તે પૂછવાનું પણ ભૂલી ગયો હતો.

" અગિયાર વાગે સવારે કે રાત્રે? "

તે બંને વખતે તેને મળવા મરાઠા મંદિર થિયેટર ગયો હતો. પણ તે આવી નહોતી.

શું અનિતા બીમાર પડી ગઈ હશે? શું કોઈ ઘરાક આવી ગયો હશે? ગમે તે કારણ હોય, પણ તે હતાશ થઈ ગયો હતો. તે એક વેશ્યા હતી. તેને મફતમાં મળી શકાય તેમ નહોતું..

છતાં બે દિવસ બાદ વ્યવસ્થા કરી તે ચેમ્બર નંબર 607 માં પહોંચી ગયો હતો.

તેના સારા નસીબે તેની પાસે કોઈ જ ઘરાક નહોતું.

તે દાદરના પગથિયાં પર બીડીના કસ લેતી ઊભી હતી!!

તેની આંખો માં અફસોસ સાફ ફલિત થઈ રહ્યો હતો. તે બીડીનું ઠુંઠું ફેંકી પોતાની કેબિન માં જતી રહી. શેખર તેની પાછળ કેબિનમાં દાખલ થયો

અનિતા એ ચહેરા પર હાસ્ય આણી તેનો સત્કાર કર્યો.

" હું આવી નહીં. તે બદલ તમે નારાજ તો નથી ને? "

" બિલ્કુલ નહીં. "

છતાં અનિતા ને વિશ્વાસ ન આવ્યો.

પણ તેના સ્વરમાં સચ્ચાઈ નો રણકાર સુણી તે ભાવુક બની ગઈ. તેણે પોતાનો હાથ શેખરના હાથમા થમાવતા કહ્યું.

" બાબુજી! તમે તો જાણો છો. અમર મને કેટલો પ્રેમ કરે છે. બહુ જ જલ્દી અમારા લગ્ન થવાના છે. હું તેના ઘરે ગઈ હતી. અને મને આગ્રહ કરીને બે દિવસ રાખી લીધી હતી. "

શેખર ને તેના પર પૂર્ણ ભરોસો હતો. તેણે અનિતા ને બધું ભૂલી જઈ ફરી મળવાની વાત કરી. તેણે વાયદો પણ કર્યો. પણ તે નિભાવી ન શકી.

શેખર ના દિમાગમાં ચિત્ર વિચિત્ર અટકળો આકાર લઈ રહી હતી.

છતાં એક વાર ઉછીના પૈસા લઈ શેખર તેના આવાસે પહોંચી ગયો.

" અનિતા કહાં હૈ?

આ આલમમાં લાગણી સાથે કોઈને કોઈને નિસ્બત હોતી નથી.

" અનિતા ના લગ્ન થઈ ગયા છે."તેવું કહી સંચાલકે તેને બીજી છોકરી આપવાની તૈયારી બતાવી હતી.

હતાશ શેખર કોઈ જ નિર્ણય કરી શક્યો નહોતો અને તે ગુસ્સામાં ચેમ્બર ની બહાર નીકળી આવ્યો હતો.

આ વાત ને છ મહિના થી વિશેષ સમય વીતી ગયો હતો.

વિચારો માં ને વિચારો માં શેખર સ્ટેડિયમ સુધી પહોંચી ગયો. તે અનિતા ને હોટલ માં લઈ જઈ તેની જોડે વાત કરવા માંગતો હતો. પણ તેનો લઘરવઘર દેખાવ નિહાળી હોટલ વાળા તેને અંદર નહીં જવા દેશે તો? તેના દિમાગમાં શંકાનો કીડો સળવળી ઊઠ્યો.

બધા વિચારો પડતા મૂકી શેખર તેને ફેમિલી રૂમમાં લઈ ગયો.

બંને સામસામે ટેબલની આસપાસ ગોઠવાયા.

બાળક ભૂખને કારણે પુન : રડવા લાગ્યું.

શેખરે તેને માટે દૂધ મંગાવ્યું.

અનિતા માટે જમવાની થાળી મંગાવી.

દૂધ પી બાળક તેના ખોળામાં જ પોઢી ગયું. ત્યાર બાદ અનિતા એ પણ ભોજન કર્યું.

બંને દ્વિઘામાં હતા.

" શું વાત કરવી? "

શેખરે જ મૌન તોડ્યું.

" અનિતા! તારા તો લગ્ન થઈ ગયા હતા.. અત્યારે તું તારા સાસરે હોવી જોઈતી હતી.. તો પછી તું આમ રસ્તા પર કઈ રીતે આવી ગઈ? "

શેખર નો સવાલ સુણી અનિતાની આંખોમાં આંસુ નો મહેરામણ ઉભરાયો.

શેખરે તેને સાંત્વન આપી શાંત કરી.

થોડી ક્ષણો બાદ અનિતા એ સ્વસ્થતા ધારણ કરી સઘળી અથ ઇતિ બયાન કરી દીધી.

" બાબુ જી! મારા લગ્ન આડે થોડા જ દિવસો બાકી હતા. ખૂબ મોટી રકમ ચૂકવીને અમર ના પરિવારે મને નર્કની યાતનામાંથી મુક્ત કરાવી હતી. હું મારી બદલાયેલી તકદીર બદલ ભગવાનનો પાડ માની રહી હતી.

પણ મારો આનંદ ક્ષણજીવી સાબિત થયો.

લગ્ન પહેલાં હું અમર સાથે ના સંબંધોથી ગર્ભવતી બની હતી. તે વાતનો ઇન્કાર નહોતો. સૌ કોઈ મને સ્વીકારવા તૈયાર હતું.. અમરના હાથો માં હું સલામત હતી.

પણ થોડા જ દિવસમાં મારી તબિયત બગડી આવી. મારી હાલત નિહાળી હર કોઈ ગભરાઈ ગયું. તરતજ મારી તહેનાતમાં ડોકટરોનો કાફલો ખડો કરી દેવામાં આવ્યો. સંપૂર્ણ ચેક અપ બાદ નિદાન આવ્યું.

' એઇડ્સની બીમારી છે'

આટલુ સાંભળી મારી આંખે અંધારા આવી ગયા. હકીકત જાણી અમર પણ ખળભળી ઊઠ્યો. તેના પ્રેમનું એકાએક બાષ્પી ભવન થઈ ગયું.. તેના પરિવારના સભ્યો પણ બદલાઈ ગયા. જાણે મારાં પર ઉપકાર કરતા હોય તેમ મને સરકારી હોસ્પિટલમાં ભરતી કરી દીધી. મારી ડિલિવરી ગમે ત્યારે થઈ શકે તેમ હતી. આ સ્થિતિમાં મારી પડખે કોઈ જ નહોતું.

મને હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ ઘરનું કોઈ જ સભ્ય મને મળવા માટે આવ્યું નહોતું.

જેમ તેમ કરીને મારી પ્રસુતિ કરવામાં આવી હતી. હું બાળક ને જન્મ દેવા માંગતી નહોતી.. પણ તે જ મારાં જીવનનો આધાર સ્થંભ હતો. તેને ખાતર મેં જીવતા રહેવાનો નિર્ણય લીધો હતો.

મારો માર્ગ અત્યંત કંટક ભર્યો હતો. બાળક ખાતર હું કાંઈ પણ કરવા તૈયાર હતી.

તે માટે હું પુન : અનીતિ ધામમાં પગ મુકવા પણ તૈયાર હતી. પણ ત્યાં પણ કોઈ ચાન્સ ન્હોતો બચ્યો. બાળક ના જન્મ બાદ મારું શરીર સાવ કંતાઈ ગયું હતું. ત્યાં મને કોઈ ઝાડું પોતાનું કામ પણ આપવા તૈયાર નહોતું.

મારે માટે સઘળા દરવાજા બંધ થઈ ગયા હતા.. આ સ્થિતિ માં ભીખ માંગવાનો વારો આવ્યો હતો. વળી પોલીસ નો પણ અત્યંત ત્રાસ હતો.

મારી બીમારી અંતિમ તબક્કામાં છે. મારો જીવન દીપ ગમે ત્યારે હોલવાઈ શકે તેમ છે.

અનિતાની કથની સુણી શેખર ની આંખો પલળી જાય છે. એક પળ અનિતા ને પોતાના ઘરે લઈ જવાનો વિચાર તેના દિમાગમાં જાગે છે.

પણ એક તો વેશ્યા અને પાછી એઇડ્સ ની બીમારી.

આખરી ઉપાય તરીકે તે અનિતા ને સૂચવે છે.

" તું તારા માતા પિતા સાથે કલકત્તા જતી રહે. "

" શું મોઢું લઈને જાઉં. મારા સગા મામાએ અત્યાચાર કરી મને વેચી ને આ દોઝખમાં ધકેલી દીધી છે. "

" તો શું કરીશ?"

" બસ મારા બાળક સાથે કોઈ અનાથ મહિલા સંઘ માં પ્રવેશ મળી જાય. "

" તે લોકો પણ તારી બીમારી ને કારણે તમને સંસ્થામાં દાખલ નહીં કરે. "

" તો શું મારે માટે મોત જ એક ઈલાજ છે., "

" એક રસ્તો બચ્યો છે!! "

" કયો? "

" એઇડ્સ મેડિકલ હેલ્પ સેન્ટર. "

" શું તેઓ અમને રાખશે? "

" મને એક દિવસ નો સમય આપ. હું સંસ્થા નો સંપર્ક કરી કાલે અહીં જ મળું છું. "

" સાહેબ! તમારો આભાર... "

બીજે દિવસે વાયદા પ્રમાણે શેખર અનિતા ને મળવા સ્ટેશન પહોંચે છે.

પણ હોની ને કાંઈ બીજું જ મંજુર હતું.

સ્ટેશન ની બહાર જ ટોળું જમા થયું હતું.

એક અવાજ તેના કાને અથડાયો.

" બેચારી! મર ગઈ.. "

તે કોણ હતું? શેખર તે જાણવાની જિજ્ઞાસા રોકી ન શક્યો.

અનિતા આ દુનિયા છોડી ગઈ હતી.

તેનું બાળક મા ના ખુલ્લા સ્તન ને મોઢામાં લેવાની કોશિશ કરી રહ્યું હતું.

શેખર બાળકને હાથમા ઉઠાવી સ્ટેશન ના સ્ટોલ તરફ ભાગ્યો.

00000000000000









ii© All Rights Reserved