...

0 views

અહોભાવ - રંજન કુમાર દેસાઈ
" પચાસ લાખના ડોક્યુમેન્ટ્સ પાછળ આવી ઢીલાશ ન પરવડે! "

ઉજ્જડ ગામના એરંડિયા પ્રધાન સમા, અંગુઠા છાપ ભોગેશ ની ટકોર સુણી કુમારને હાડોહાડ લાગી આવ્યું. તેણે પૂરતી કાળજી લઈને સમયસર ડોકટ્યુમેન્ટ્સ બેંક માં જમા કરવાની કાળજી લીધી હતી. પરંતુ રમઝાન ઈદ ને કારણે સાઉદી કોન્સ્યુલેટની ઓફિસ દસ દિવસ બંધ હતી. જેને કારણે તે પાછો પડ્યો હતો.

આ માં તેનો કોઈ વાંક ન્હોતો. છતાં ભોગેશે બેંક વ્યાજનું ગાણું ગાતા આડે ધડ ટકોર કરી હતી. કામમાં પોતે જ ચોક્કસ હોવાનો દાવો કર્યો હતો.. અને કુમારે મુલજી દાસના ખાંધિયાને શબ્દ બાણ થકી વીંધી નાખ્યો હતો..

" પચાસ લાખ હોય કે પચાસ કરોડ. મને કોઈ ફરક પડતો નથી. મેઁ મારી તરફથી કોઈ કસર છોડી નથી. સો આઈ ડોન્ટ ડિસર્વ યોર કૉમેન્ટ્સ. "

કુમારનો જડબાતોડ જવાબ સુણી ભોગેશનું અહમ ચકનાચૂર થઇ ગયું. તે કુમારને કાંઈ કહી ના શક્યો.

મુલજી દાસ ઓવરસી્ઝ ટુર પર ગયા હતા.. આ સ્થિતિમાં ભોગેશ પાસે ધુંધવાઇને બેસી રહેવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો ન્હોતો. ઉદિપ્ત માનસિક અવસ્થા વચ્ચે તે પોતાના બોસની પાછા ફરવાની વાટ જોતો હતો.

બીજી તરફ કુમાર અત્યંત સજાગ હતો. ભોગેશ જેવી વ્યકિત પીઠ પાછળ ઘા કર્યા વિના નહીં રહે. તે આ વાત ભલી ભ્રાંતિ જાણતો હતો. તે ગમે તે પરિણામ ભોગવવા માનસિક રીતે તૈયાર હતો.

મુલજી દાસના આવતા વેંત જ ભોગેશે પોતાની ગેઇમ શરૂ કરી દીધી હતી.

" મારા હાળા બધા જ આખા હાડકાના છે.. કોઈને કામ કરવું ગમતું નથી!!"
b
ગંદી, બીભત્સ ગાળ સુણી ને કુમાર સમસમી ગયો. કુનેહ બાજ ભોગેશે નાના માણસની આડ લઈ ગંદી ગાળનો આશરો ગોત્યો. તેનું નિશાન પોતાના ભણી જ હતું.. સંવેદનશીલ કુમાર આ વાત સાંખી શક્યો ન્હોતો.

ભોગેશે સઘળો રિપોર્ટ આપી કુમાર વિરુદ્ધ મુલજી દાસ ના કાન માં વિષ રેડ્યું હતું. તેઓ કુમારની કોઈ જ વાત સાંભળવા તૈયાર નહોતા!!

તેમનો એક પાંખિયો વ્યવહાર નિહાળી કુમારની ખોપરી સન્કી ગઈ. તેઓ પહેલે થી જ કોઈ નિર્ણય લઈને બેઠા હતા. આ વાત ચાલાક કુમાર કળી ગયો હતો. ભોગેશ નું અસલી રૂપ નિહાળી તેના રૂંવે રૂંવે આગ ઝાળ પ્રસરી ગઈ હતી. અવિશ્વાસના વાતાવરણમાં તે એક પળ પણ થોભવા તૈયાર ન્હોતો.

" ગો ટુ હેલ! આઈ ડોન્ટ વોન્ટ યોર જોબ! તમે કરોડ પતિ હોવ તો તમારા ઘરના. મારે મન તમારી કિંમત કોડીની પણ નથી રહી!!'

ચાર્જ સોંપવાની પરવા કર્યા વિના શબ્દોના ચાબખા મારી કુમાર એક પણ ક્ષણ ન થોભતા મુલજી દાસની પેઢીમાંથી વોક આઉટ કરી ગયો હતો. આ ને પોતાની જીત સમજી બંને મનોમન મલકાઈ રહ્યા હતા!!

અસામાન્ય સ્થિતિમાં સહેલાઈથી મગજ ગુમાવી બેસનાર કુમાર આ અગાઉ ' આરતી ટ્રેડિંગ 'નો જવાબદાર અધિકારી હતો.. આ પેઢી મુલજી દાસના મસિયારા ભાઈની હતી. ધંધા માં તેઓ એકમેક ના કટ્ટર પ્રતિસ્પર્ધી હતા.

કુમાર ' અંધેરી નગરી ને ગંડુ રાજા જેવા ' આરતીના વહીવટથી તદ્દન નારાજ હતો. એક ગજબની સમસ્યાનો તે શિકાર બની ગયો હતો.

મુલજી દસે નજરોનજર કુમારને ' આરતી ' ની મેનેજમેન્ટ જોડે આખડતો નિહાળ્યો હતો. છતાં તેઓ કુમારને વધારે પગારની લાલચ દઈ પોતાની પેઢીમાં ખેંચી ગયા હતા.

આ ગાળામાં તેણે એક નવલિકાનું સર્જન કર્યું હતું. જેને મુંબઈના જાણીતા દૈનિક પેપરમાં પ્રસિદ્ધિ પ્રાપ્ત થઈ હતી.

આ વાર્તા ના માધ્યમ દ્વારા તેણે ' આરતી 'ના બખેડા નો હુબહુ ચિતાર પેશ કર્યો હતો. ભોગેશે સામે ચાલીને કુમારની રચના પોતાના બોસ ને સુપ્રત કરી હતી. તેઓ પણ એક રશિયન કોન્ટ્રાકટના સંયુક્ત સપ્લાયર હતા. તેમણે ગેર નીતિ અજમાવી કાળા નાણાંના થેલા ભેગા કરી લીધા હતા. નવલિકા એ તેમની વેપારી ગેર નીતિ પર આકરો પ્રહાર કર્યો હતો. આ ખ્યાલ માત્રથી મુલજી દાસ ફફડી ઉઠ્યા હતા.

" આ તો મારો હાળો.. ખતરનાક છે. કોક દી આપણો ઘડો લાડવો કરી નાખશે. "

કુમારની મર્મ ઘાતક કલમ મુલજી દાસ ના કાળજાની આરપાર નીકળી ગઈ. ભયના માર્યા તેઓ ઊંચા નીચા થઇ રહ્યા હતા. તેઓ કુમાર ને કાઢવાની દિશામાં કાર્યરત બને તે પહેલાં જ તે સ્વમાન ભેર વોક આઉટ કરી ગયો.

બીજે જ દિવસે કુમાર અન્ય કંપનીમાં જોડાઈ ગયો. તેની મહેનત અને કાબેલિયત નવા બોસ ની આંખો માં ઘર કરી ગયા હતા. કુમાર પણ તેના નવા જોબથી સંતુષ્ટ હતો.

ત્યાં જ એકાએક શું થયું?

બોસે તેને કેબિનમાં બોલાવી ધડાકો કર્યો.

" મિ. કુમાર! કાલથી તમારે કામ પર આવવાની જરૂર નથી! "

" સર! મારો કોઈ વાંક અપરાધ? "

" કાલથી મારો ભત્રીજો તમારી જગ્યા સંભાળશે.. "

કોઈ પણ જાતની દલીલ ન કરતા કુમાર ટર્મિનેશન લેટર લઈ ઓફિસની બહાર નીકળી ગયો.

બેકારીના દિવસો માં રોહિત ભટકાઈ ગયો. તે મુલજી દાસ ના ઋણ હેઠળ કચડાઈ જુલ્મ સામે બગાવત કરવાની ક્ષમતા ગુમાવી બેઠો હતો.

બંને ચા પીવા સત્કાર હોટલમાં દાખલ થયા.

ચા પીતા રોહિતે સચ્ચાઈ બેનકાબ કરી દીધી.

" તમારી નોકરી મુલજી દાસ ને કારણે ગઈ છે! "

" વોટ?! "

" યસ! કુમાર ભાઈ!! મુલજી દાસે મારા દેખતા જ તમારા બોસ ને ટેલિફોન પર સૂચના આપી હતી."

" તમારું હિત ચાહતા હોવ તો કુમાર ને પહેલી જ તકે નોકરીમાંથી કાઢી મુકો. તે લબાડમાં જર્નાલિસ્ટના સઘળાં ગુણો મોજુદ છે. આપણે વેપારી માણસોએ તેમના જેવા લોકોથી દૂર રહેવું જોઈએ.. ગમે ત્યારે આપણો ભાંગરો વાટી નાખતા લોકો નો કોઈ ભરોસો નહીં. "

પોતાના પાણીચાનો સાચો ભેદ પામી કુમારના હદયને સેકન્ડો વીંછી ડંખ દેવા મંડ્યા.

મહા પ્રયત્ને ચા નો કપ ખાલી કરતા સવાલ કર્યો.

" મુલજી દાસ ને મારા જોબની માહિતી કોણે આપી? "

" કુમાર! આ ભોગેશના જ કારસ્તાન છે!! "

" આઈ સી! "

" તેણે જ મુલજી દાસ ને આ માહિતી પુરી પાડી હતી. "

રોહિત ની વાત સાંભળી કુમાર સળગી ઊઠ્યો.

" કુમાર! સ્ટાફના સભ્યોને સૂચના આપવામાં આવી છે. કોઈએ તમારી જોડે વાત નહીં કરવાની!!તમારો ફોન પણ નહીં ઉપાડવાનો. "

હકીકત સાંભળી કુમારના હૈયામાં પ્રતિશોધની આગ ભભૂકી ઊઠી.

મુલજી દાસની મહેરબાની થકી કુમાર ને આખો મહિનો ઘરમાં બેસવું પડ્યું હતું.

આ ખ્યાલ આવતા વેંત જ તેની આંખો સામે તેના પરિવારના દયનીય ચહેરા નર્તન કરવા લાગ્યા. તેના હ્નદયમાં ભભૂકતી પ્રતિશોધની આગ ને ઇંધણ મળ્યું.. તેણે દાંત ભીડતા કહ્યું :

" રોહિત! મુલજી દાસ ના બેટાને દિનમાં તારા ના દેખાડું તો મારું નામ કુમાર નહીં!!"

ચા પીને બંને છુટા પડ્યા. કુમાર ના દિમાગ માં રોહિતે કરેલી વાતો ઘૂમી રહી હતી.

" કુમાર! મુલજી દાસે બહેનની લોટરીના પૈસા હજમ કરી એક્સપોર્ટ ઈમ્પોર્ટ ના શ્રી ગણેશાય કર્યા હતા.

સગી બહેન જોડે છેતરપિંડી કરનાર મુલજી દાસના સઘળા રહસ્યો તે જાણતો હતો! તેણે ધાર્યું હોત તો ઘડી ના છઠ્ઠા ભાગમાં મુલજી દાસ ને નેસ્ત નાબૂદ કરી શક્યો હોત, પરંતુ સ્ટાફના અન્ય સભ્યોનું ભાવિ તેમના પર નિર્ભર હતું.. આ ખ્યાલે તેણે વાત આગળ વધવા દીધી ન્હોતી. આ ને કુમારની નબળાઈ સમજી મુલજી દાસે સિંહ ની બોડ માં હાથ નાખ્યો હતો.

*****

ખૂબ જ઼ રઝળપાટ, દોડધામ ને અંતે કુમાર એક દૈનિક પત્રમાં જોડાઈ ગયો. અને થોડા જ઼ દિવસમાં અખબારની હેડ લાઇન્સ ચમકી ઊઠી..

" શહેરની નામાંકિત વેપારી પેઢીની મધ દરિયે ચાંદી પકડાઈ.. "

સમાચાર વાંચી મુલજી દાસની નીંદ વેરણ થઇ ગઈ..

આ ન્યુઝ છાપા સુધી કઈ રીતે પહોંચ્યા?

બંધ બારણે મુલજી દાસ માથું પછાડતા ભોગેશ સમક્ષ હૈયા વરાળ ઠાલવી રહ્યા હતા.... તે જોઈ ભોગેશે દિમાગમાં રંધાઈ રહેલી ખીચડી ઓકી નાખી હતી!!

" મુલજી ભાઈ! કુમાર બહું જ઼ પહોંચેલી માયા છે.. આ રેઇડ પાછળ તેનો જ઼ હાથ લાગે છે!!"

" ડોન્ટ ટોક નોનસેન્સ! કુમારની ભલા એટલી તાકાત નથી કે મારી સામે માથું ઊંચકે.. "

પૈસાના ગુમાનમાં ચૂર મુલજી દાસે પોતાના વિશ્વાસુ ગણાતા માણસની વાત ઉડાડી દીધી. આથી ભોગેશ આગળ બોલી ન શક્યો.

પરંતુ ફરી રેઇડ પડી અને માલ પકડાયો ત્યારે મુલજી દાસ ની સાન ઠેકાણે આવી.

******

" કુમાર! મુલજી દાસ બહાર ગામથી આવતી માલની ટ્રક માં બે નંબરના પૈસાની હેરાફેરી કરે છે. "

અચાનક કસ્ટમ હાઉસ પાસે ભેટો થઇ જતાં રોહિતે બૉમ્બ ધડાકો કર્યો હતો.

" આઈ સી! બીજા શું ન્યુઝ છે?"

" મુલજી દાસ મલબાર હિલમાં મોટો બંગલો ખરીદવાની વેતરણમાં પડ્યા છે!!"

" ઓ કે થેન્ક્સ! "

રોહિતની પીઠ થપથપાવી કુમાર છૂટો પડ્યો.

પ્રેસ કોન્ફરન્સ ભણી ડગ ભરતા તેના કદમમાં અનેરું જોમ આવી ગયું.. તેના કાનોમાં રોહિત ની વિવશતા, મજબૂરીની વાતો હથોડા મારી રહી હતી.

" કુમાર! મારા ડેડીની ગંભીર બીમારીમાં મુલજી દાસે નાણાકીય મદદ કરી અમારા કાંડા કાપી નાખ્યા છે. હું તેમની સાથે કામ કરવા તૈયાર નથી. પણ શું કરું? હું લાચાર છું. પરિવારના ભાવિની ચિંતા આગળ હું તદ્દન અસહાય બની ગયો છું.

સમગ્ર વેપારી આલમ પ્રત્યે સૂગ ધરાવતા કુમારના હૈયા માં વેદનાની શૂળ ભોંકાઈ રહી હતી.

બે દિવસ બાદ મુલજી દાસ મીઠી નીંદર માણી રહ્યા હતા.. ત્યારે એકાએક તેમના ટેલિફોનની ઘંટડી રણકી ઉઠી.

આંખો ચોળતા મુલજી દાસે હાથ લંબાવી
રિસિવર કાને ધર્યું. સામે છેડે ગોડાઉન કીપર સુંદર વાત કરી રહ્યો હતો. તેણે મુલજી દાસને મોકાણના સમાચાર આપ્યા હતા :

" શેઠ! ગજબ થઇ ગયો..! "

" શું થયું? " બહાવરા બની મુલજી દાસે સવાલ કર્યો.

" શેઠ! સી બી આઇની પલટણેે આપણી બધી ટ્રકસ જપ્ત કરી લીધી છે. "

" વોટ? " મુલજી દાસનો અવાજ તરડાઈ ગયો.

સુંદરે વાત દોહરાવતા ઉમેર્યું : " શેઠ! કોઈ નવો ઓફિસર લાગે છે. તે કોઈ રીતે પીગળે તેવું લાગતું નથી! "

" ઓ કે. યેન કેન પ્રકારેણ તેની ખાતીરદારી કરી રોકી રાખ. હું ગોડાઉન આવી રહ્યો છું. "

ગુસ્સામાં રિસિવર પટકી દઈ મુલજી દાસ મનોમન બબડાટ કરવા લાગ્યા. વીલા મોઢે પલંગમાંથી ઉભા થઈ બાથરૂમ ભણી વળ્યા.

સામે જ તેમની પત્નીના દર્શન થયા. પતિ ને વહેલા ઉઠેલા નિહાળી વીણા ને અચરજની લાગણી નીપજી. તેઓ સીધા જ ટોયલેટમાં ઘૂસી ગયા.

તેમના આવા વ્યવહારે વીણા એકદમ દઘાઈ ગઈ. તેને દાળમાં કાળું હોવાની ગંધ આવી. તેણે અનેક તર્ક લડાવ્યા. પણ તે સચ્ચાઈની રગ ને પકડી શકી.

પંદરેક મિનિટમાં મુલજી દાસ તૈયાર થઈ ગયા. વીણા તેમની દિમાગી હાલત નિહાળી કોઈ સવાલ ના પૂછી શકી. ચૂપચાપ ચા ની ટ્રે મૂકી તે કિચનમાં ચાલી ગઈ.

ખાંડ વિનાની ચા ગમે તેમ ગળે ઉતારી મુલજી દાસ જાતે કાર ડ્રાઈવ કરી ગોડાઉન પહોંચી ગયા.

સી બી આઈની પલટન તંબુ તાણી ને બેસી ગઈ હતી. તે જોઈ મુલજી દાસ ના છક્કા છૂટી ગયા! છતાં તેમણે સ્વસ્થતા જાળવી, ચાણક્ય નીતિ અપનાવી સી બી આઈ અફસરની આગતા સ્વાગતા કરતાં સવાલ કર્યો.

" સાબ! કુછ પીએગે? "

વેપારી માનસની રગેરગથી વાકેફ અફસર પર મુલજી દાસની મીઠી વાણીનો કોઈ જ પ્રભાવ ન પડ્યો. તેણે નકારમાં માથું ધુણાવ્યું. આ સ્થિતિમાં મુલજી દાસ હતાશ થઇ ગયા.

આ ને કઈ રીતે પલાળવો? મુલજી દાસ દ્વિઘા અનુભવી રહ્યા હતા. થોડી વાર પછી તેમણે સીધી જ ઓફર મૂકી હતી :

" અન્ય ને હું દસથી પંદર ટકા આપું છું. પણ તમને આ કેસ ને કરવાના પચ્ચીસ ટકા આપવા તૈયાર છું. "

મુલજી દાસ ની જાણ બહાર આ વાત ટેપ થઈ ચુકી હતી. બીજી જ ક્ષણે એક સરકારી અફસરને લાંચ આપવાના આરોપસાર મુલજી દાસ ને અટક માં લેવામાં આવ્યા..