...

1 views

ખલનાયક - રંજન કુમાર દેસાઈ
ગઈ કાલે પાછો તેણે આત્મ હત્યાનો પ્રયાસ કર્યો હતો. તેથી બચુ સહિત સૌ કોઈ રાતના સૂવા પામ્યું નહોતું. ઉજાગરાના કારણે તેની આંખો છ કલાકની દિવસ દરમિયાનની નિદ્રા બાદ ઘેરાઈ રહી હતી. છતાં તે નિયમ પ્રમાણે હોસ્પિટલ પહોંચ્યો ત્યારે?

તેના આશ્ચર્ય વચ્ચે બાબુનો ખાટલો ખાલી હતો. તે જોઈ બચુને ચિત્ર વિચિત્ર શંકા થઈ આવી. ઘડીભરમાં સેકન્ડો વિચારો તેના દિમાગમાંથી પસાર થઈ ગયા. બહાવરા બની જઈ સામેના ખાટલા પાસે દર્દીનો ચાર્ટ તપાસતી સિસ્ટરને સવાલ કર્યો.

" સિસ્ટર! 21 નંબરનો પેશન્ટ ક્યાં ગયો? "

બાબુ એ રાતના અગાસી પરથી પડતું મુકવાનો પ્રયાસ કર્યો હતો. તેની સ્મૃતિએ તેના પ્રશ્નમાં ભયની માત્રા ભળી ગઈ હતી.

' ડોક્ટરની પરવાનગી લઈ તેના પિતાજી તેને ફિલ્મ જોવા લઈ ગયા છે. '

સિસ્ટર નો ખુલાસો સાંભળી બચુની તંગ થઈ ગયેલી નસો ઢીલી થઈ ગઈ.

બાબુ ને સિનેમા જોવાનો અદમ્ય શોખ હતો. અઠવાડીયામાં બે ત્રણ સિનેમા બિંધાસ્તપણે જોઈ નાખતો હતો. જોયેલા સિનેમા ફરી ફરી જોતા તે કંટાળતો ન્હોતો. સિનેમાના ગુણ દોષોની રસિક ઢબે ચર્ચા કરવાની તેને આદત પડી ગઈ હતી.

બચુ એક વાર તેની સાથે 'જય જવાન જય કિસાન ' ના સૂત્રને ધ્યાનમાં રાખી ઉતારવામાં આવેલી ' ઉપકાર ' ફિલ્મ જોવા ગયા હતા. મલંગ ચાચાની ભૂમિકાને ' ખલ નાયક ' તરીકે મશહૂર કલાકાર પ્રાણે અદલો અદલ નિભાવી હતી.

એક દ્રશ્યમાં ટેકસી ડ્રાઈવર ' ફોર હાયર 'નું મિટર ઊંધુ કરે છે. તે વખતે બે યુવાન એક ગરીબ, નિ :સહાય યુવતી નો હાથ ઝાલી ટેક્સીમાં બેસાડે છે. દ્રશ્ય તદ્દન સામાન્ય હતું. પણ તેને મિટર સાથે નિકટનો સંબંધ હતો.

બાબુ ને આ દ્રશ્ય અત્યંત ઉમદા તેમ જ ક્લાત્મક લાગ્યું હતું. ફિલ્મ જોઈ ને બહાર નીકળતા બાબુએ તે દ્રશ્યની મોકળા મને પ્રશંસા કરતાં જણાવ્યું હતું :

" જોયું. બચુ આ નો મતલબ સમજાયો? "

" યુવતી પણ ભાડે અપાઈ ગઈ!! "

ફિલ્મ જોવાથી તેની ચિત્ત દશામાં કોઈ પલટો આવી શકે તે સંભાવનાને સ્વીકારી ડોકટરે સઘળાં કાયદા કાનૂન અભરાઈએ ચઢાવી બાબુ ને પરવાનગી આપી હતી!!

તે ઘણો જ લાગણી પ્રધાન તેમ જ સંવેદનશીલ યુવાન હતો. ખુબ જ નાની વયે તેણે માતાની ઓથ ગુમાવી હતી.

નવી માતાનું આગમન થયું હતું. પિતાના નકારાત્મક વલણે બાબુ ખુબ જ નબળો પડી ગયો હતો. માતાનો પ્રેમ તેના નસીબમાં ન્હોતો. બહેનની નિઃવ્યાજ લાગણી પણ તેના નસીબમાં ન્હોતી. રશ્મિ તેનાથી અલગ ઘણા વર્ષો દાદી મા પાસે રહી હતી. કદાચ તેથી જ બંને વચ્ચે લાગણીનો કોઈ સેતુ બંધાયો ન્હોતો.

સ્નેહ, લાગણી માટે બાબુ હરદમ ટળવળ્યો હતો. તેના જીવનમાં અરુણાનો પ્રવેશ થયો હતો. નવરાત્રીના ઉત્સવ ટાણે દાંડિયા રાસની રમઝટ બોલતી હતી.

આ જ દિવસો માં તેની પ્રથમ મુલાકાત અરુણા જોડે થઈ હતી. ધીમે ધીમે બંનેની મુલાકાતો વધી ગઈ હતી. તેઓ સક્રિય રીતે દાંડિયા રાસમાં ભાગ લેતા હતા. તેમની બેલડીને અનેક ઇનામો, પારિતોષિક મળ્યા હતા. અરુણાના સાનિધ્યમાં બાબુની લાગણી ઉછાળો મારવા લાગી જતી હતી.

કલ્પિત સૃષ્ટિમાં અરુણા બેવડી ભૂમિકા નિભાવી રહી હતી.

બહેન અને પ્રેમિકા..!!

બાબુના હૈયામાં મિશ્રિત લાગણી ઉભરાઈ હતી. તેની સાથેના સંગાથમાં બાબુ અનિદ્રાનો ભોગ બન્યો હતો. મોડી રાતે તેની આંખો બિડાતી તો સ્વપ્નામાં અરુણા તેને દેખાતી હતી. બંને સાઇકલ પર ડબલ સવારી ઘૂમી રહ્યા છે. બાબુ એ તેના ખભે હડપચી ગોઠવી દીધી છે..

તે જોઈ અરુણા શરમાઈ રહી છે. આંખોની ભાષામાં બાબુને જાણે ટોકી રહી છે.

" દુનિયા આપણને ઘૂરકી રહી છે. તેની તો શરમ કર. "

પણ બાબુ પોતાની ધૂનમાં મસ્ત : " હમ તુમ એક કમરે મેં બંધ હો ઔર ચાબી ખો જાયે.." ગીતની કડી ગણગણવા માંડે છે.

અરુણાની સુંવાળી કમર પર ચીમટો ભરે છે. તે આછી રાડ પાડી ઉઠે છે. અને બંને ના ગાલ એકમેક જોડે ભિડાઈ જાય છે.

સજાગ અવસ્થામાં તેની કલ્પના અલગ રંગ ધારણ કરતી હતી. જાણે અરુણા હાથમા રાખડી લઈ તેની પાસે આવી રહી છે. અને બાબુ ને તેનામાં વર્ષો થી વિખુટી પડેલી નાની બહેનનો આભાસ થાય છે.

સ્નેહાવેગમાં બાબુ અરુણાની બાહો થામી લેતો હતો. તો કોઈ વાર તેના ગુલાબી ગાલો પંપાળી લેતો હતો..

મોટે ભાગે તેઓ શાળાએ જવા સાથે જ ઘરે થી નીકળતા હતા. બંને અલગ શાળામાં ભણતા હતા છતાં બાબુ તેનો બોડી ગાર્ડ બનીને સાથે રહેતો હતો. ઘણી વાર બાબુ તેની આંગળી ઝાલીને ચાલતો હતો. આ બાબત તેણે ક્યારેય અણગમો દર્શાવ્યો ન્હોતો.

બંને સાથે જ વાંચવા બેસતા હતા.

અરુણા સવારના વહેલી ઊઠી સકતી ન્હોતી... બાબુ રોજ તેને ઉઠાડતો હતો.

એક વાર ઊંઘતી અરુણાની છાતી પર હાથ મૂકીને તેને ઉઠાડી હતી. આ એક અકસ્માત ન્હોતો. તેણે જાણી જોઈને આ હરકત કરી હતી. કદાચ અરુણા તેનાથી વાકેફ હતી. પણ તે કાંઈ જ બોલી ન્હોતી. બાબુને હાથ ખસેડવાનું મન થતું નહોતું. પણ તેની માતા ને જોઈ તેણે હાથ ખસેડી લીધો હતો.

ધીમે ધીમે અરુણાને વહેલા ઉઠવાની આદત પડી ગઈ હતી.

તે પાંચ વાગ્યાંમાં જ ઊઠી જતી હતી. તેથી બાબુ એ તેને વહેલો ઉઠાડવાની જવાબદારી અરુણા ને સોંપી હતી. મોટે ભાગે તો તે ઊઠી જતો હતો. પણ અરુણાનો સ્પર્શ પામવાની લાલચ ત્યજી શકતો ન્હોતો. તે ઢંઢોળીને, હાથ ઝાલી ને કે ગલગલિયા ના કરે ત્યાં સુધી ભારે ઊંઘ નો ડોળ કરી ને પડ્યો રહેતો હતો.

તેની સામે જ ભાઈ બહેનના નામે પ્રેમના વહાણ હંકારવા માંડ્યા હતા. તેમની મજાક મશ્કરી ને સ્વાભાવિક ગણી બાબુ આંખ મિચામણા કરી લેતો હતો.

પણ તેમની પ્રેમ રફ્તારે એકાએક ગતિ ધારણ કરવા માંડી.
.
© All Rights Reserved