...

0 views

સુખલો - રંજનકુમાર દેસાઈ
રાત ખૂબ જ વીતી ચુકી હતી. નાના બાળકો પણ પોઢી ગયા હતા. તેમને ઘરે કઈ રીતે લઈ જવા?

ફૂટ પ્રશ્ન તલવાર બની માથા પર ઝૂલી રહ્યો હતો. વાતાવરણમા સૂલુની વિદાયમા ગમગીન, હતાશ દેવુનું રૂદન સ્પષ્ટ સંભળાઈ રહ્યું હતું.

જીવન ચલને કા નામ

સુખલો ખાલી રેકડી લઈ.. ગીત ગણગણતો વાડી તરફ ધસી રહ્યો હતો. દેવુના કર્ણ પટે આ સંદેશ મય ગીતના શબ્દો અથડાતા અચાનક તેનું રૂદન શમી ગયું.

અમને જોઈ સુખલા એ પોતાની રેકડી થંભાવી દીધી. અને કોઈ પણ જાત ની પૂછપરછ કર્યા વિના સૌ બાળકો ને પોતાની રેકડી મા ચઢાવી દીધા.

સૂલુના લગ્નની ધમાલમાં દેવુ થાકી ને લોથપોથ થઈ ગઈ હતી. એક માત્ર દીકરીનો સંગાથ છૂટી જતાં આંસુના દરિયામાં પોતાના દર્દો ગમને મિટાવવા મથી રહી હતી.

મૃત સુકુમારની સ્મૃતિ તેના હૈયાને દઝાડી રહી હતી.

એ હયાત હોત તો?

દીકરીની વિદાય ટાણે મને ગળે બાઝતા મા જણી દેવુએ અશ્રુભીના નયને મને સવાલ કર્યો હતો. તેની કરુણાર્દ હાલત નિહાળી હું વ્યથિત થઈ રહ્યો હતો..

આ જ હાલત માં તેના થાક નો.. વિષાદનો ખ્યાલ કરી હું તેને માટે ટાંગો તલાશી રહ્યો હતો.

નસીબજોગે સુંદર લાલના મિત્રનો ટાંગો મળી ગયો. અને મેં દેવુ નો હાથ ઝાલી ટાંગામાં ચઢાવી દીધી. શ્રીમતીજી પણ પોતાની નણંદબાની પડખે ગોઠવાઈ ગયા. અને હું ટાંગાવાળાની બાજુમાં બેસી ગયો. સુંદર લાલ હિસાબ માટે વાડીમાં રોકાઈ ગયા હતા.

દૂર વાતાવરણમાં પુન : સુખલાનું ગીત ગુંજી ઉઠ્યું. તેનું સર્વસ્વ છિનવાઈ ગયું હતું. છતાં તે મસ્ત અલગારી જીવની માફક જિંદગીના બાકીના દિવસો ખુટાડી રહ્યો હતો.

જયારે દેવુ?

દસ વર્ષ થી પણ અધિક સમયથી દીકરાના મોતને અસાધ્ય બીમારીની માફક છાતીએ વળગાડીને બેઠી હતી. દુઃખનું ઓસડ દહાડા તે કહેતી દેવુ એ ખોટી પુરવાર કરી હતી.:

સુકુમારના મોતે દેવુ અર્ધ પાગલ બની ગઈ હતી. પોતાના પતિ સુંદર લાલે કુછંદે ચઢી દીકરાને ગુમાવ્યો હતો. તે વાત દેવુના દિલો દિમાગમાં ઊંડે સુધી ઘુસી ગઈ હતી. તેની બીમારી માટે કેટલા ઉપાય, મંત્ર જાપ કર્યા હતા. માનતાઓ રાખી હતી. પણ તેની હાલતમાં કોઈ સુધારો આવ્યો ન્હોતો.

ટાંગો ઝડપી ગતિએ આગળ ધપી રહ્યો હતો. અને હું અતીતની યાદોમાં સરી પડ્યો હતો.

સુંદર લાલે દેવુની નિરક્ષરતા - ભોળપણ નો લાભ લઈ ખુબ સતાવી હતી. ઉગ્ર સ્વભાવ થકી તેઓ દેવુની મારઝુડ પણ કરતા હતા.

તેઓ ગોરા કુંભારની અલ્લ્ડ છોકરી શ્યામલી પાછળ ઘેલા બની ગયા હતા. શ્યામલી એ ન જાણે કેટલાના ઘર ભંગાવ્યા હતા. તેની પાછળ જમીન, ખેતીવાડી પણ ખુંવાર કરી હતી.

આ બઘી વાતો ઊડતી ઊડતી મારા કાને આવી હતી. અમારી ન્યાતના અગ્રગણ્ય પેથા કાકા એ આંખે દેખ્યો અહેવાલ આપ્યો હતો. દેવુના દુઃખની વાતો સાંભળી હું સળગી ઊઠ્યો હતો. મારું હૈયું ચિરાઈ ગયું હતું. પત્ર દ્વારા મેં તેમની આકરી ઝાટકણી કરી હતી. અગત્યના કામો પડતા મૂકી હું તેમને સમજાવવા મહેમદાવાદ આવ્યો હતો. સાળા બનેવી વચ્ચે ભારે ચકમક ઝરી ગઈ હતી. સુંદર લાલે ગુસ્સામાં તેમને ઘરની બહાર તગેડી મુક્વાની ધમકી ઉચ્ચારી હતી.

હું તેમને મારે ઘરે લઈ આવવા તૈયાર હતો.. પણ એક આર્ય નારી ની જેમ દેવુએ મારો વિરોધ કર્યો હતો..

સુકુમાર પિતાનો હેવાયો હતો. તે સુંદર લાલ વિના રહી શકતો ન્હોતો. તે જાણવા છતાં પણ સુંદર લાલ છાકટા બની ગયા હતા. નાના બાળકોની લાગણીને વિસરી તેઓ શ્યામલી ની બાહોમાં મોજ માણતા હતા.

પાછા ફરતી વખતે સુકુમારે મારી સાથે આવવાની જીદ પકડી હતી. દેવુ એ ક્યારેય પોતાના સંતાનો ને આંખથી દૂર કર્યા નહોતા. છતાં સુકુમારની જિદને વશ થઈ દેવુએ તેને મારી જોડે મુંબઈ મોકલ્યો હતો. અને પાછો ફર્યા બાદ થોડા જ સમયમાં માંદગીનો ભોગ બની અલ્લાહ ને પ્યારો થઈ ગયો હતો.

તેના મોત માટે આડકતરી રીતે સુંદર લાલ જ જવાબદાર હતા.. પણ દોષનો ટોપલો તેમણે મારે માથે પટકી દીધો હતો.

તેની ઉત્તર ક્રિયા વખતે દેવુની માનસિક હાલત ઘણી જ નાજુક હતી. આવી સ્થિતિમાં પણ સુંદર લાલ શ્યામલી ની બાહોમાં ગુલતાન હતા. તેના વિશે ગામમાં અનેકાનેક વાતો થતી હતી. સુકુમારના મોતે પણ તેમની આંખો ખુલી ન્હોતી.

અને એક રાત્રે વૃદ્ધ બાપની ઇજ્જતના ધજાગરા ઉડાડતી તેમને રડતા કકળતા છોડી ગામના ફરસાણ વાળા જોડે ભાગી ગઈ હતી.

તેની બેવફાઈ એ સુંદર લાલની સાન ઠેકાણે આવી ગઈ હતી. ખુદ દેવુએ પત્ર લખી સારી વિગતોનો હવાલો આપ્યો હતો. તેઓ સીધી લાઈન પર આવી ગયા હતા. તે જાણી સૌ કોઈએ નિરાંતની લાગણી અનુભવી હતી.

ooooooo

એક દાયકા બાદ સૂલુએ જુવાનીમાં પગ મેલ્યો હતો. તેના હાથ પીળા કરવાનો અવસર આવી ગયો હતો.

ત્યારે બહેન બનેવી એ સહ કુટુંબ ભાવ ભીનું આમંત્રણ મોકલ્યું હતું.. સૂલુ એક માત્ર મારી ભાણેજ હતી. ઘરમાં પહેલો અને છેલ્લો પ્રસંગ હતો. મામા ના નાતે મારે બધી રસમો નિભાવવાની હતી.

ગર્દી અને ગરમીના વાતાવરણમાં અમે મુંબઈ સેન્ટ્રલ સ્ટેશને પહોંચ્યા હતા. ત્યારે હમાલી સુખલા જોડે અમારો પરિચય થયો હતો.. તેણે કાંઈ રળી લેવાની આશ માં મને સવાલ કર્યો હતો.

" સાબ! જાગા માંગતા?"

ગાડી માં ચઢવા માટે કતાર પદ્ધતિના અમલ વિશે જાણકારી હાથ લાગી હતી..

પ્લેટ ફોર્મ માનવ મેદની થી ઉભરાઈ રહ્યું હતું..

કતારના કોઈ નામો નિશાન દેખાતા નહોતા.. તેના અમલ માટે કોઈ પોલીસ કે સ્વયંસેવક નજરે પડ્યો ન્હોતો.. છૂટા્છવાયા હમાલીઓ ઘરાક ની શોધ માં ચક્કર લગાવી રહ્યા હતા!!

ચાર દિન ની ચાંદની જેવો ઘાટ હતો. શપથ વિસરી ને તેઓ અસલ પાઠ માં આવી ગયા હતા.

કુટુંબ પરિવાર ની સુખ સગવડતા ખાતર પાંચ દસ રૂપિયા ખર્ચવા સામાન્ય બની ગયા હતા.

પણ સુખલાની માદલી કાયા નિહાળી શ્રીમતીજી ને દયા આવી :

જૂનનો અંત ભાગ હતો. મેઘ રાજાની કોપાયમાન દ્રષ્ટિ ને કારણે મુંબઈ તેમ જ અન્ય ભાગોમાં દુકાળ ની ભીતિ વર્તાઈ રહી હતી. લોકો પણ ખૂબ પરેશાન હતા. ઉકળાટ કહે મારું કામ જેવી વિષમ પરિસ્થિતિ હતી.

અડધો કલાક ની પ્રતીક્ષાને અંતે ગુજરાત એક્સપ્રેસ યાર્ડ માંથી પ્લેટ ફોર્મ પર પ્રવેશી. ત્યારે હમાલીઓના ભાવે છક કરી દીધા.

' એક સીટના 15 રૂપિયા. '

સાંભળી શ્રીમતીજી ઉકળી ગયા.

યાર્ડ માં થી પ્લેટ ફોર્મ પર આવતી ગાડીમાં સીટ મેળવવા લોકો ભાગાદોડી કરી રહ્યા હતા. તે જોઈ મેં પણ ચાલતી ગાડી પકડવાની કોશિશ કરી. એક કંપાર્ટમેન્ટમાં ઘુસી પણ ગયો. પણ તે પહેલા બે ચાર સશક્ત હમાલીઓએ બધી જ સીટ કબ્જે કરી લીધી. તેથી અમને સીટ ના મળી. એકાદ સીટ ખાલી દેખાતા સુખલાએ એક થેલો ત્યાં મુકવાની કોશિશ કરી તે પહેલા જ અન્ય હમાલી એ થેલો આંચકી લઇ બારી બહાર ફગાવી દીધો.

દ્રશ્ય જોઈ હું સમસમી ગયો. ક્ષણભર મને આવી દાદાગીરી સામે પડકાર ફેંકવાનો વિચાર જાગ્યો. પણ જૂથ જોઈ મારી બોલતી બંધ થઈ ગઈ..આ સ્થિતિમાં કોઈ પોલીસ પણ નજરે ચઢ્યો ન્હોતો.

જગ્યા ની ચિંતામાં વધારે સમય બગાડવો પોષાય તેમ ન્હોતો.. આ હાલતમાં હું ઝડપ થી ગાડીમાંથી ઉતરી ગયો હતો. પત્ની અને બાળકોની દિશામાં ડગ ભર્યું કે ન ભર્યું ત્યાં જ એક વિચિત્ર પ્રકારના કોલાહલે મારા બઢતા કદમને રોકી લીધા

" જાગા નહીં દે સકતા થા તો ફિર કયો કામ હાથ લિયા? ફિજુલ મેં નુકસાન કર દિયા. ચલો યે તૂટી ચીજો કા જુર્માના ભરો. "

એક સિંધી ઔરત સુખલા ને ધમકાવી રહી હતી.. સશકત ટોળી એ જે થેલી બહાર ફગાવી દીધી હતી.. તે આ બાઈની હતી. તેના કાચના વાસણો નો દાટ વળી ગયો હતો.

જેમ તેમ કરીને સુખલાએ પોતાના ગજવામાં હતા તે બાઈને આપી દઈ પીછો છોડાવ્યો હતો.

અધૂરામાં પૂરું શપથ તૂટ્યાના સમાચાર સુણી ન જાણે ક્યાંકથી પોલીસ દાદો ફૂટી નીકળ્યો હતો. કોઈ પણ જાતની ચકાસણી કર્યા વિના સુખલા ને ઝૂડી નાખ્યો.

આ જોઈ મારા હૈયામાં વેદનાની ટીશ ઉપડી હતી.

આવી ગિરદીમાં મહેમદાવાદ કઈ રીતે પહોંચાશે?
હું દ્વિઘામાં તેજ ગતિએ આગળ વધી રહ્યો હતો.

ત્યાં જ શ્રીમતી નો સ્વર કાને પડ્યો હતો.

" ચાલો આપણને જગ્યા મળી ગઈ છે!! "

તેની કોઈ કોલેજ સહિયર પોતાના કુટુંબ સાથે વલસાડ જઈ રહી હતી. તેણે અમને બધાને સાંકડે માંકડે ગોઠવી દીધા હતા.

ગાડી ઉપડવાને થોડી વાર હતી. અને મારું ચિત્ત વિચારોની ધુમ્રસેરમાં અટવાઈ ગયું. અમારી સામે જ બેઠેલો મુસાફર પોતાને મળેલી જગ્યાનું મહેનતાણું ચૂકવી રહ્યો હતો. રાઉન્ડ પર ફરી રહેલા પોલીસ ની નજર તેના પર હતી. છતાં તે અજાણ હોવાનો ડોળ કરી રહ્યો હતો. તેની આંખોમાં ગજબની ચમક વર્તાઈ રહી હતી.

સીટી વાગતા ગાડીએ સ્ટેશન છોડ્યું હતું. અને હું શ્રીમતીજીના સહિયરની જોડે વાતો એ વળગ્યો હતો. તેમણે પણ પૈસા આપીને જગ્યા મેળવી હતી.

અમારી વચ્ચે વાતચીતનો લાંબો દોર આરંભાયો હતો.

મેં સુખલા વિશે તેને વાત કહી હતી. તે પોલીસ હપ્તો આપી શકે તેમ ન્હોતો. આથી તે કોઈને જગ્યા અપાવવાનો હક્ક ગુમાવી બેઠો હતો..

સુખલા સાથે ની આ મારી પહેલી મુલાકાત હતી.

તેઓ વલસાડ સ્ટેશને ઊતરી ગયા હતા. જયારે અમારું ગામ ખાસ્સુ દૂર હતું. ગાડી નિયતસમય કરતા લગભગ અડધો કલાક મોડી હતી. તેથી લગભગ સાડા ચાર વાગ્યા ના સુમારે અમે મહેમદાવાદ સ્ટેશને ઉતર્યા હતા. સુંદર લાલ અમને લેવા સ્ટેશને આવ્યા હતા.

ઘર સ્ટેશનથી પંદરેક મિનિટ છેટું હતું. છતાં નાનકડા બાળકો તેમ જ સામાન ને કારણે સુંદર લાલે ટાંગો કરી લીધો હતો. લગભગ પાંચ થી સાત મિનિટમાં અમે ઘરે પહોંચી ગયા હતા.

આંગણામાં દેવુ અને સૂલુ અમારી વાટ જોતા ઉભા હતા.. અમને જોતા વેંત સૂલુ અમારી તરફ દોડી આવી હતી. અને મને જોરથી વળગી પડી હતી. તે જુવાન થઈ ચુકી હતી. તેના વર્તનમાં સાતથી આઠ વર્ષની બાળકી જેવી ચંચળતા ઉભરાઈ રહી હતી. ઘણા સમય બાદ અમે બધા મળ્યા હતા.

મારા છોકરાઓ તો ઘરે પહોંચતા જ ઘરની મીઠાઈ ઝાપટવામાં કાર્યરત બની ગયા હતા. અને હું મોડી રાત સુધી બહેન બનેવી જોડે સ્નેહ ગોષ્ટિમાં મગ્ન બની ગયો હતો.

મહેમદાવાદ પહોંચ્યા ને સાતમો દિવસ હતો. સૂલુના લગ્નનો દિવસ હતો. ખૂબ જ ધામધૂમથી સુંદર લાલે આ પ્રસંગ ઉકેલ્યો હતો. નાનકડા ગામમાં આ લગ્નની રોનક નિહાળી હર કોઈ દાંતમાં આંગળા નાખી ગયું હતું.

ઘરે થી વાડી આઘે હતી. નાના છોકરાઓ માટે રેકડી નો બંદોબસ્ત કરવામાં આવ્યો હતો. બે રૂપિયા માં આ સાધન આસાનીથી ઉપલબ્ધ હતું.

લગભગ ડઝનેક બાળકોને પોતાની રેકડી માં બેસાડી એક ઘરડો શખ્સ, ' જીવન ચલને કા નામ 'ગાતો વાડી તરફ ભાગી રહ્યો હતો. અમે ઘણા પછવાડે રહી ગયા હતા. તેનો ખ્યાલ આવતા સુખલા એ રેકડી થંભાવી દીધી હતી.

તે જ વખતે મારી નાની બેબીએ પેશાબ કર્યો હતો. તે જોઈ હું તરત જ રેકડી નજીક પહોંચી ગયો હતો. પણ તે પહેલાં જ સુખલાએ કપડું લઈ પેશાબ સાફ કરી નાખ્યો હતો.

તે જ વખતે મારી નજર તે પરોપકારી જીવ પર પડી હતી.

" સુખલો! "

તેના નામમાં એક અનોખો સંદેશો છુપાયેલો હતો.

" સુખ -લો!! સુખ લઈ લ્યો! "

તેને જોઈ મારી આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ. મને મારી આંખો પર જ વિશ્વાસ બેસતો ન્હોતો. પણ તે સુખલો જ હતો. એક અઠવાડિયામાં મારી તેની સાથેની બીજી મુલાકાત હતી.

આગલી રાતની ધમાલમાં કોઈ ઊંઘવા પામ્યું નહોતું. હર કોઈની આંખો ઘેરાઈ રહી હતી.

" એક કપ ચા મળી જાય તો? મજા આવી જાય."

મેં સુખલા ને ઈશારો કર્યો હતો. અને તે રેકડી ને સાઈડ માં ઊભી રાખી ચા ની વ્યવસ્થા કરવા દોડી ગયો હતો.

બધાએ ચા પીધી હતી. મેઁ સુખલા ને પણ ચા પીવડાવી હતી.

તેની સાથે વાતચીત નો દોર શરૂ થયો હતો. તેણે નિઃસંકોચ પોતાની આપવીતી બયાન કરી હતી.

પાંચ વર્ષની વયે અનાથ બનેલો સુખલો સખ્ત મજૂરી કરતો હતો. લગભગ 35 વર્ષ તેણે રમકડાં બનાવતી ફેક્ટરીમાં પેકિંગ ડિલિવરી ખાતામાં કામ કર્યું હતું. તેને એક પુત્ર પણ હતો. પણ તેની કિસ્મત ફૂટેલી હતી. પિતાને મદદ કરવા જતાં તે અકસ્માત નો ભોગ બન્યો હતો અને તે અપંગ બની ગયો હતો.

મુંબઈ સેન્ટ્રલ નજીક તે ભાંગી તૂટી ઝૂપડીમાં પડ્યો રહેતો હતો. સુખલો અનેક આફતો મુસીબતોથી ઘેરાઈ ગયો હતો. છતાં પણ જીવનના વાંકા ચુકા રસ્તા પર ચાલ્યે જતો હતો.. એક પછી એક તેના સઘળા અંગો નિષ્ક્રિય બની ગયા હતા. લકવાનો ભોગ બન્યો હતો. આંખે મોતિયો પણ આવ્યો હતો. કાંઈ કેટલાય જખ્મો ખમ્યા હતા. દુઃખ ભોગવવામાં તેણે કાંઈ જ બાકી રાખ્યું નહોતું.. અધૂરામાં પૂરું તેનો દીકરો પણ અનંત નીંદર માં પોઢી ગયો હતો. આ ફટકો પણ તેણે ઝીરવી લીધો હતો.

તેની કથની દેવુ માટે નવ જીવન સાબિત થઈ હતી. સુખલાએ ખૂબ જલ્દીથી દીકરાના મૃત્યુ નો ઘા જીરવી લઈ દેવુ માટે એક નવું દ્રષ્ટાંત પૂરું પાડ્યું હતું. તે વર્ષો સુધી પોતાના દીકરાના મૃત્યુનો આઘાત જીરવી શકી ન્હોતી.. તે દીકરા ને પોતાના હદયમાંથી બહાર કાઢી શક્તિ ન્હોતી. તેને માટે દીકરા પ્રત્યે નો અસીમિત પ્રેમ કારણ ભૂત બન્યો હતો. તેણે ઘરમાંથી દીકરાની બધી જ તસ્વીરો દૂર કરી દીધી અને તે પુન: સુખની ગંગા માં વ્યસ્ત બની ગઈ.

oooooooooooo
© All Rights Reserved